પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪]

સ્થાપના કરનારી પરિવર્તન-રાત્રિ બની ગઈ. એ રાત્રિને સ્વામીજીના અનુયાયી-સંઘ 'દયાનન્દ બોધ ઉત્સવ' તરીકે ઉજવે છે. જીવનમાં એ પ્રસંગ ન આવ્યો હોત તો ? તો દંભ, પાખંડ, અધર્મ અને અનાચારની સામે સિંહગર્જનાએ ગર્જી, એ દાનવના સામ્રાજ્યને જમીનદોસ્ત કરનાર અને હિંદુત્વના સૂર્યનો પુનરૂદય સિદ્ધ કરનાર સતનો લડવૈયો કદાચ, ભારતવર્ષને ન લાધત; તો મૂળશંકરને કુટુમ્બની પ્રતિષ્ઠા સાચવનારો પુત્ર તૈયાર કરવાની કરસનજી ત્રવાડીની મહેચ્છા સફળ થાત. પણ કિરતારની ઇચ્છા મૂળશંકરને માત્ર જીવાપરનો જમીનદાર બનાવવાની નહીં, પણ તેને કૃષ્ણ અને બુદ્ધ, ક્રાઇસ્ટ અને મહમદ, કેાન્ફ્યુશીયસ અને નાનકદેવ જેવા ધર્મ વીરોની હરોલમાં ઉભનારા પયગમ્બર બનાવવાની હતી. અને આખરે તો, પરમેશની ઇચ્છા જ પાર પડે ને ?

એ ૧૮૪૦ની સાલ મહા મહિનાની અંધારી ચૌદશને શૈવો શિવરાત્રિનું મહાપર્વ ગણીને ઉજવે છે તે મુજબ, એ વર્ષની શિવરાત્રિએ મૂળશંકરને સાથે લઈ કરસનજી શિવમંદિરે ગયા. આખી રાત પૂજનવિધિ ચાલવાની હતી. સો પૂજારીઓએ જાગરણ કરવાનું હતું. પણ આખો દિવસ ઉપવાસ રાખીને લોથ બની ગયેલા મૂળશંકરના પિતા અને તેમના સાથીઓ આખી રાતનું જાગરણ કરી શક્યા નહિ, શિવલિંગ પ્રત્યે નજર રાખી, એકાગ્ર ચિત્ત માળાના પારા ફેરવતા બધા ફેરવતા બ્રાહ્મણદેવોની આંખો ઘેરાઈ અને સૌ પોતપોતાને આસને ધીમે ધીમે ઢળી ગયા, મધરાતને સમયે માત્ર જાગતો બેઠો હતો એક મૂળશંકર.

શિવાલય, ગામને પેલે પાર સ્મશાનને કાંઠે ઝાડીમાં અટૂલું ઉભું હતું. અંધારી ચૈાદશનો ચોમેર અંધકાર જાગ્યો હતો. સર્વત્ર મધરાતની ભયાનક શક્તિ વર્તતી હતી. એ વાતાવરણમાં, મહા મહિનાની દુઃસહ ટાઢથી ધ્રુજતો અને શરીર સંકોડાતો