પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫]

મૂળશંકર શિવાલયના એક ખુણામાં ગુપચુપ બેઠો હતો. નિદ્રાને હઠાવવા તે વારંવાર પાસેના વાસણમાંથી પાણી લઈ અાંખો ઉપર ચોપડતો હતો અને ટાઢને ઓછી કરવા ધીમે ધીમે સાદે, થોડી થોડી વારે, સંસ્કૃત શ્લોક બોલતો હતો. આખા શિવાલયમાં માત્ર શિવલિંગ પાસે ધીનેા ઝીણો દીવો ટમ ટમ બળતો હતો.

એકાએક કંઈક સંચાર થયો. મૂળશંકરે સાવધ બની અવાજની દિશામાં કાન માંડ્યા. સંચાર વધતો ચાલ્યો. તે સાવધ બની ઉભો થયો, અને શિવલિંગ પાસે પહોંચ્યો. તેણે જોયું તો ઉંદરડાઓ શિવજીના લિંગ પર દોડાદોડી કરી રહ્યા હતા અને તેમની પાસે ધરાયલી પ્રસાદી પ્રસન્નતાપૂર્વક આરોગતા હતા. મૂળશંકર સ્તબ્ધ બની ગયો. તેણે પળવાર પોતાની સામેના દૃશ્યને સાચું ન માન્યું, પણ ત્યાં તો, મૂળશંકરને મૌનભાવે ઉભેલો ન દેખનારા મુષકોએ જોરશોરથી દોડાદોડી માંડી. ઉંદરોએ શિવજીના માથા ઉપર નાચ માંડ્યો અને શિવજીના દેહને ગલીચ કરવા લાગ્યા, મૂળશંકરથી એ ન જોવાયું. 'આ શિવજીની મૂર્તિ ? વિશ્વનો પ્રલય કરવાનું સામર્થ્ય ધરાવનારા ભગવાન રૂદ્ર આ પોતે? કૈલાસના સ્વામી, કરમાં ત્રિશૂલ ધારનારા, વૃષભરાજ ઉપર સવારી કરનારા, ડમરૂ બજાવનારા, તાંડવનૃત્ય કરનારા, સ્વેચ્છા મુજબ આ જગતના પ્રાણીઓ ઉપર શ્રાપ કે આશીર્વાદ ઉચ્ચારનારા, સકળ નિયંતા શિવજી આ હોય? અને એવા પરમ સામર્થ્યના પતિ આ મુષકોને આમ પોતાને દેહ બગાડવા દ્યે? એ ત્રિપુંડધારીની આવી અનાથ, અવાક્ દશા હોય? ના, આ શિવજી ન હોય, આ શિવજીની મૂર્તિ યે ન હોય.” એવી વિચાર-પરંપરાએ મૂળશંકરને ઘેરી લીધા. મુષકોની લીલા અને શિવજીની ચુપકીદી એ બન્ને વસ્તુનું તેના મનમાં કોઈ રીતે સમાધાન ન થઈ શક્યું.