પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭]

ત્યાં તો મૂળશંકરના આંતર વલોપાતને વધારે વ્યગ્ર બનાવી મૂકે એવો એક પ્રસંગ બની ગયો.

એક રાત્રે મૂળશંકર, તેના પિતા અને કાકા અને સૌ કુટુંમ્બ પરિવારના સંગમાં, ગામમાંજ એક સ્વજનને ઘેર વિવાહની ઉજાણીમાં ગયો હતો. આખુ મંડળ, ભોજન પછી બહાર ચોગાનમાં, ચાન્દનીના પ્રકાશમાં સંગીત-ગાનનો આનન્દ માણતું બેઠું હતું. એકાએક એક અનુચર ચોંકવનારા સમાચાર લઈને આવ્યો કે નાનાં બેનને કાગળીઉં વળગ્યું છે. આખું મંડળ, હાંફળું ફાંફળું ઘેર પહોંચ્યું અને ગામડામાં બની શકે એવી સરસમાં સરસ સારવાર છતાં, મૂળશંકરની નાની બેન, માત્ર બે કલાકમાં જ, ભાઈને છોડી કોણ જાણે ક્યાં ચાલી નીકળી ! આખા ઘરમાં રોકકળ મચી રહી. કાચી ઘડીમાં જમડો સાજી નરવી બેનને ઝૂંટવી ગયા, એ કાળજું ચીરનારી કહાણી ઉપર આખા કુટુમ્બે હૃદયફાટ રડવા માંડ્યું. માત્ર અચળ, મુખ ઉપર શોકની છાયા વિનાનો, ગંભીર ઉભો હતો એક મૂળશંકર. એની વહાલી બેનનું શબ ભાળી ન તો એની આંખમાં આંસુ આવ્યું, કે ન તો એના મુખમાંથી એક ઉનો નિસાસો નીકળ્યો. ખરી રીતે તો બેનના વિજોગથી ભાઈને અસહ્ય દુ:ખ થતું હતું - એટલું અસહ્ય કે તેનાં આંસુ અને તેના નિસાસા ગુંગળાઈને મર્યા હતા. એ વખતે, બેનનું કારમું મૃત્યુ જોઈ ભાઈ જીવન- મરણના કૂટ પ્રશ્નનો વિચારતો હતો, તે જીન્દગીની ક્ષણભંગુરતાનાં કારણો શોધતો હતો. સોળ વર્ષનો એ તરૂણ અક્ષય અને અમર બનવાની કોઈ સંજીવનીને માટે તલસતો હતો. મૂળશંકરના આ વર્તાવથી સૌ કુટુમ્બીઓને ભારે અચંબો થયો. પણ, એ છતાં, બેનનું મૃત્યુ મૂળશંકરના મન ઉપર સજ્જડ છાપ મૂકી ગયું, એના અંતરમાં વૈરાગ્યે આસન માંડ્યાં. ૧૮૪૦ ની શિવરાત્રીએ શરૂ થયેલો આંતર વિગ્રહ પાછો વિશેષ જોરથી મંડાયો.