પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮]


વળી પાછી બીજી બે શિવરાત્રિઓ ચાલી ગઈ. મૂળશંકર અઢાર વર્ષનો યુવાન બન્યો. બધા જખમોને રૂઝાવી દેનાર અને બધા વ્યાધિઓને વિસરાવી દેનાર કાળદેવે મૂળશંકરને પાછી મન:શાન્તિ બક્ષી. જાણે એ મૂર્તિવિરોધ અને એ મનોવૈરાગ્ય શમી ગયા હોય તેમ મૂળશંકર પાછા કુટુમ્બના કામકાજમાં ગુંથાવા લાગ્યો. તેનું શિક્ષણ બંધ થયું હતું. વૃદ્ધ પિતાનો બધો વહીવટ જુવાન પુત્રને માથે મૂકાયો હતો. મૂળશંકર જીન્દગીની ક્ષણભંગુરતા ભૂલી, તેને માટે નિર્દિષ્ટ થયેલું કાર્ય ચૂકી, સંસારના વહનમાં ઘસડાતો હતો, પણ ત્યાં તો એ મહાપિતાએ, સૌના હલનચલનની દોરીઓ ખેંચનારા એ સર્વસત્તાધીશે, એક નવો પ્રસંગ યોજી મૂળશંકરને ત્રીજો અવાજ દીધો. મૂળશંકરનો આત્મા ફરીવાર જાગ્રત બન્યો. મૂળશંકરના ગૃહત્યાગની સંધ્યા નજીક આવી પહોંચી.

મૂળશંકર ઉપર પિતા જેટલુંજ વાત્સલ્ય વરસાવતા મૂળશંકરના એક કાકા હતા. મૂળશંકરને પણ એ કાકા ઉપર અપાર હેત હતું, કાકાને મૂળશંકર પોતાના ગુરૂ માનતો, પોતાના ઉચ્ચ સંસ્કાર અને ઉન્નત આશયોના જનક સમજતો. બે વર્ષ પહેલાં જે કોગળીયું નાની બેનને કુટુમ્બની સોડમાંથી ઝડપી ગયેલું એજ કોગળીએ કાકા ઉપર નિશાન માંડ્યું. કાકા પટકાયા, બેનના રામ બે કલાકમાં ઉડી ગયા હતા, પણ કાકાની બિમારી ઘણા દિવસ ચાલી અને એ લંબાણ મૂળશંકરને ઉલ્ટું વિશેષ અસહ્ય થઈ પડ્યું. સરસ તબીબી સારવાર ચાલી. કાળ-શિકારીએ તેના શિકારને છોડવાની સાફ સાફ ના સંભળાવી. કાકા ચાલ્યા. ચાલતી વખતે છેલ્લી ઘડીએ પ્રાણથીએ અધિક પ્રિય ભત્રિજાને પાસે બોલાવી કાકા આશીર્વાદ ઉચ્ચારવા ગયા, ત્યાં તો જીવનનો દીવો બુઝાઈ ગયો. મૂળશંકરથી આ ન સહાયું.