પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯]

કાકાના શબને નીરખી બે વર્ષ પહેલાના બેનના મૃત્યુની સ્મૃતિઓ સજીવન થઈ. યમદેવ એના સ્નેહીજનને આમ ઉઠાવી જાય છે અને તે નિરાધારીની નજરે જોઈ રહે છે એ વિચારે ! મૂળશંકરને શબ્દોમાં ન વર્ણવી શકાય એટલું દુ:ખ થયું. આવા કારમા પ્રસંગોએ ગંભીર અને અડગ રહેતો મૂળશંકર પોકેપોક મૂકીને રોયો. એને માટે, હવે, ક્ષણભર પણ સંસારમાં રહેવું ખારૂં ઝેર બની ગયું.

મૂળશંકરને આ દુનિયા અને તેના ક્ષણિક રંગો જોઈ વારંવાર જમડાની સવારીઓ સાંભરતી હતી. એને એ જમડાઓની સત્તામાંથી છુટવું હતું, મૂળશંકરને અમરત્વ જોઈતું હતું. એ અર્થે એને યોગીઓની પાસે પહોંચવું હતું. હવે મૂળશંકરને પહેલી તકે ઘર છોડી યોગ સાધવાની - જીવન અને મૃત્યુથી પર બનવાની ધુન લાગી.


મૂળશંકરે તેની આ મનોદશાથી પિતાને અજાણ રાખવાને ખૂબ પ્રયત્ન કર્યા. પણ મૂળશંકરના મ્હોં ઉપર, તેના દરેકે દરેક વર્તનમાં, વૈરાગ્યની છાપ સ્પષ્ટ દેખાતી હતી, ત્યાં વ્યવહારથી બિનવાકેફ એ યુવક તેના મનોભાવને ગુપ્ત કેમ રાખી શકે ? માતાપિતાએ મૂળશંકરને પાછા સ્વસ્થ બનાવવા પરણાવી દેવાનો વિચાર માંડ્યો. મૂળશંકર એ કળી ગયો. એણે એનો ઉગ્ર વિરોધ કર્યો અને વિદ્યાભ્યાસ અર્થે કાશી જવાની જોરદાર માગણી મૂકી. મૂળશંકર કાશી તો ન જઈ શક્યા; પણ, આખરે, તે પાસેના ગામડામાં એક પંડિતને ત્યાં થોડાં વર્ષ વિદ્યાભ્યાસ માટે મોકલવાનું ઠરાવી પિતાએ પુત્રના મનનું સમાધાન કર્યું.

ગૃહત્યાગ સાધવાનો હવે અવસર મળશે એ વિચારે મૂળશંકરને ખૂબ જ હર્ષ થયો અને તે હરખાતો હરખાતો પંડિતને ગામ ગયો. કરસનજી ત્રવાડીની આજ્ઞાથી પંડિત