પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧]





મન્થનકાળ

ચાર વર્ષ પહેલાં વીતેલી એ મહાશિવરાત્રિ, બે વર્ષ પહેલાં નીપજેલું બહેનનું મૃત્યુ અને કાકાના મરણનો તાજો ઘા; એ ત્રણે આઘાતોએ ઘવાયેલો મૂળશંકર કોઈ પરમ ધામની ઝાંખી કરવા ઘેરથી નાસી છુટ્યો. નાસીને એણે, પોતાને કોઈ જોઈ જાય અને પિતાને ખબર પહોંચાડી દ્યે એ બીકથી વગડાના આડા માર્ગ લીધા. જીવાપરથી દૂર દૂર નીકળી જવા મૂળશંકરે દિવસ અને રાત ગણ્યા વિના, ઉભાં ખેતરો ચીરીને દોડવા માંડ્યું. ભૂખ, તરસ, થાક એ બધું શરીર–દુઃખ એના અંતરના આવેગ આગળ વિસરાઈ ગયું.

મૂળશંકરે થોડા ગાઉ કાપ્યા, અને એક ઝાડીમાં રાતના થોડા પહોર વિરામ લીધો. પછી પ્રભાતને સમયે પાછી મઝલ શરૂ કરી ત્યાં તો એને બાવાઓની ચાલી જતી જમાતનો સંગાથ થયો. બાવાઓએ એના શરીર ઉપરના ઘરેણાં તરફ આંગળી ચીંધી, વૈરાગ્યની મસ્તીમાં ચડેલા મૂળશંકરે અંગ ઉપરનાં બધાં ઘરેણાં ઉતારી આપ્યાં, શરીર ઉપરનાં સારાં વસ્ત્રો યે કાઢી દીધાં; અને સાધુ નામને કલંક આપનારા એ બાવાઓની સોબત છોડી.