પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩]


સિદ્ધપુરમાં શુદ્ધ ચૈતન્યે, સરસ્વતીના કાંઠા ઉપર ગામથી થોડે છેટે ઉભેલા નિલકંઠ મહાદેવના શિવાલયમાં ઉતારો કર્યો, અને સાધુઓ, સંન્યાસીઓ, બાવાઓ, જોગીઓ, મહેતા વગેરે જૂદી જૂદી કોટીના ધર્મના વાઘા સજનારા સમુદાયમાંથી કોઈ લાયક ગુરૂ શોધવા માંડ્યા.

બીજી તરફથી, પેલા સાધુ પાસેથી પુત્રના સમાચાર સાંભળી કરસનજી ત્રવાડી જમાદારના પોશાકમાં સિદ્ધપુર આવી પહોંચ્યા. સાથે ઘોડેસ્વાર સિપાઈઓની ટુકડી હતી. એ નાનકડી ફોજે આખો મેળો ફરી મૂળશંકરની તપાસ કરવા માંડી. આખરે નિલકંઠ મહાદેવના ધામમાં મૂળશંકરનો પત્તો લાગ્યો.

ભગવાં વસ્ત્રો, સુકાઈ ગયેલું મ્હોં, અને દયા આવે એવી દશા જોઈ કરસનજી ત્રવાડીના ભવાં ચડ્યાં, કુળ લજવનારા એ પુત્રને પિતાએ આકરી ગાળો દીધી. તેની કફની ફાડી નાખી, અને એજ મંદિરમાં તેના ઉપર સખ્ત પહેરો ગોઠવી તેને નજરકેદ કર્યો. મૂળશંકરે નીચી આંખોએ એ ચુપચાપ સહી લીધું; અને પેલા સાધુ ઉપર છુપા શ્રાપ વરસાવવા માંડ્યા. છતાં તેણે નાસી છૂટવાની બારી શોધવાનું તો ચાલુ જ રાખ્યું. એક આખો દિવસ અને આખી રાત મૂળશંકર ઉપર એવી ચોકી રહી. કેદીના પિંજરામાં તરફડાટ મારતાં દિવસ તો વિત્યો અને રાત પણ વિતવા માંડી, મૂળશંકરને લઈ ટૂકડી વહેલી સવારમાં ચાલવાની હતી. એ ઘડી નજીક આવતી ગઈ. અને એટલે તો મૂળશંકરની મૂંઝવણ વધતી ગઈ. ચોકીદારો આંખનું મટકું ય માર્યા વિના પહેરા ભરતા ઉભા હતા. એમાં મૂળશંકરને ફરીવાર નાસી છૂટવાનો અભિલાષ કેમ સિદ્ધ થાય? મળસ્કું થયું. મૂળશંકરે નાસવાની બધી આશાઓ છોડી દીધી. પણ ત્યાં તો, આખરે, જાણે જગદીશશ્વરનો આદેશ આવતો હોય તેમ, આખી રાત અખંડ ઉજાગરો કરી થાકી