પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





સ્મરણ

દેશનું રાજ્યકારણી ચણતર વારે વારે કથળતું દેખાય છે. માલવીયાઓના અને મહાત્માઓના બાંધેલા સ્વાતંત્ર્યના કોટકિલ્લાઓ, અમદાવાદના પેલા પ્રાચીન ગઢ વિષે દંતકથા ચાલે છે તેમ, દિવસભર બંધાઈને રાત્રિયે જાણે કે કોઈ બાવાના મંત્રબળથી જમીનદોસ્ત થાય છે. એક ખળભળેલા ખુણાને સમારતાં સમારતાં જ જાણે બીજો ખુણો લથડીને નીચે ઢગલો થઇ પડે છે. કારણ કે એ રાજકારણી સ્વાતંત્ર્ય-દુર્ગના પાયામાં ધાર્મિક અને સામાજિક બંડખોરોના બત્રીસા પૂરેપૂરા દેવાયા નથી. એ ભવ્ય ઇમારતના તળીઆમાં જે કુસંસાર ને કુરૂઢિ રૂપી પોલાણો પડ્યાં છે, તેની અંદર ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતાનાં ધગધગતાં સીસાં રેડાયાં નથી. માટે જ આજે દેશને દયાનન્દ સાંભરે છે.

રાજાના કરવેરા કચરી નાખે છે. પરસત્તા પોતાની વ્યાપારી યુક્તિ પ્રયુક્તિ વડે અમારું દ્રવ્ય હરી જાય છે. અમલદારો રૂશ્વત ખાઇને અમને નિર્ધન બનાવે છે. મુડીવાદ અને યંત્ર કારખાનાંઓ લોહી ચૂસે છે. સત્તાધારી નામ ધરાવતો પ્રત્યેક આદમી અમારા દેશને દૈત્ય છે. એ આપણો નિત્યનો પોકાર :