પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૬]

નામાભિધાન કરી એને પોતાના કુલનો સંન્યાસ-દંડ ધારણ કરાવ્યો. એ રીતે, વેદાભાસ્કર બનવાને સરજાયેલો મૂળશંકર તેની ચોવીસ વરસની વયે સ્વામી દયાનન્દ સરસ્વતી બન્યો.

હવે એણે એ પદને શોભાવવાની અને યોગનો સાંગોપાંગ અભ્યાસ કરવાની તૈયારીઓ માંડી. દયાનન્દ થોડો વખત તો પૂર્ણાનન્દ સ્વામીની સાથે રહ્યા અને ધર્મશાસ્ત્રો શીખવા શરૂ કર્યાં. એકાદ વરસમાં એ ગુરૂમાંથી યે મન ઉઠ્યું અને દયાનન્દ સરસ્વતી કોઇ પ્રખર તેજસ્વી સ્થિતિપ્રજ્ઞ ગુરૂવરની શોધમાં, ગુજરાત છોડી, કાશી તરફ ચાલી નીકળ્યા.

દયાનન્દના પરિભ્રમણમાં પ્રથમ તેમને બે યોગીઓ મળ્યા. એમનાં નામ જ્વાલાનન્દપુરી અને શિવાનન્દગિરિ. એમની પાસેથી તે યોગ શિખ્યા, ત્યારબાદ તેમની પાસેથી છુટી તે થેરી અને કાશ્મીર થઇ, હિમાલય તરફ ભટકવા માંડ્યા. હિમાલયના હિમધવલ શિખરો પર કોઇ મહાત્માનાં દર્શન પામવાની ઉત્કંઠાથી તેમણે હિમાલયના ડુંગરાએ ડુંગરામાં ભટકવા માડ્યું. એ રખડપાટમાં એમને પારાવાર કષ્ટ વેઠવું પડતું. ચામડી વીંધીને લોહી શેાષી લ્યે એવો સખત શિયાળો હોય, પર્વતનાં શિખરો અને માર્ગો બરફથી છવાઇ ગયાં હોય, છતાં, દયાનન્દજી પરમાનન્દની અવસ્થા પ્રાપ્ત કરાવે એવા યોગીરાજની માળા જપતા ડુંગરાઓમાં અવિરામ આથડ્યા કરતા. એમના કષ્ટનો, એમની તપશ્ચર્યાનો, એમના મનોબળનો પરિચય કરાવે એવો એક પ્રસંગ, એમની જ વાણીમાં, એમના અાત્મચરિત્રમાંથી આ ઉતારી લઈએ છીએ:

“હું હિમાલયની તળેટીમાં હતો. શિયાળો ચાલતો હતો. મારે આલાણકન્દા નદી ઉતરીને સામે પાર જવું હતું. મારા શરીર ઉપર માત્ર એક પાતળી કન્થા હતી. ટાઢ અસહ્ય હતી.