પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૮]


દયાનન્દ હિમાલયમાંથી પાછા ફર્યા. ફરતાં ફરતાં તેમને સમૃદ્ધ શ્રીમઠના મહંતની મુલાકાત થઇ. દયાનન્દના પ્રભાવશાળી વ્યક્તિત્વથી મહંત એટલા અંજાઇ ગયા કે તેમણે દયાનન્દને તેમના લાખોની આવકવાળા મઠની ગાદી સોંપવા ઇચ્છા બતાવી. પિતાની સમૃદ્ધિ તજી દઈ નીકળી પડેલા દયાનન્દને મહંતની સમૃદ્ધિ ન જ આંજી શકી.

“હું તો આર્યત્વના ઉદ્ધારને માટે માનવસમાજની સમક્ષ કલ્યાણનો માર્ગ મૂકવાને માટે, જ્ઞાનની શોધમાં ભટકતો સંન્યાસી છું. મારે મહંતગીરી કે મઠ ન ખપે. મારે જ્ઞાન જોઇએ.” એવો જવાબ આપી દયાનંદ શ્રીમઠનો દરવાજો વટાવી ગયા.

ત્યાર પછી યે દયાનન્દ અવધૂત દશામાં જ રહ્યા. દશથી બાર વર્ષો એમણે એ દશામાં ખર્ચી નાખ્યાં. છતાં યે, ક્યાં યે તેમને સાચું જ્ઞાન મળ્યું નહીં. ક્યાંયે તેમને યોગનો માર્ગ લાધ્યો નહીં; એ રખડપાટના દશકામાં, તપશ્ચર્યાથી વિશુદ્ધ બની બનીને એમની કાયાએ કોઇ અદ્દભૂત કાન્તિ પ્રાપ્ત કરી. પાંત્રીસ વર્ષની વયે, આજન્મ બ્રહ્મચારી દયાનન્દ પ્રચંડકાયા, સ્નાયુબદ્ધ, માંસલ દેહધારી, અને પ્રતાપી મુખમુદ્રાવાળા પ્રખર યોગી બન્યા હતા. પયગમ્બરો અને ઝંડાધારીઓના મુખ ઉપર જે જાતની અપાર્થિવ રોશની ઝળહળતી હોય છે એની રોશની માત્ર એક કૌપિન ધારનારા આ દયાનન્દના દિદાર ઉપર પણ ચમકવા માંડી હતી. દયાનંદના જીવનમાં નવું પ્રકરણ ઉઘડતું હતું.