પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૧]

સાધનાને જ સાચો જીવનહેતુ સમજાવનારા વેદધર્મના અર્ધસત્ય અર્થો સાંભળ્યા. દેશને દરવાજે આક્રમણકારી દુશ્મનોના તોપના ગોળાઓ સાંભળતાં છતાં યે, દેશરક્ષા અર્થે કેસરીયા વાઘા સજવાનો ધર્મ ચૂકી વેદધર્મ ઉપર વિવાદ ચલાવવામાં જ રચ્યાપચ્યા રહેનારા અને દુશ્મનને સુખેથી દેશ જીતી લેવા દેતા હિન્દુ રાજાઓ અને હિન્દુ લડવૈયાઓની દુઃખકથા પણ બળતે હૃદયે એણે સાંભળી. દયાનંદે હિન્દુસ્તાનની ચોદિશામાં, હિન્દુ જીવનના એકે એક માર્ગમાં અમાસની અંધારી રાતનો ઘોર અંધકાર વ્યાપેલો જોયો. એ જોઇ દયાનંદને પુનર્‌જાગૃતિનું પ્રભાત પ્રગટાવવાની ઝંખના જાગી. દોઢ દાયકા પહેલાં આત્મઉદ્ધાર અર્થે, મુક્તિની શોધમાં નીકળેલા મૂળશંકરને હવે આર્યાવર્તના ઉદ્ધારમાં જ આત્મ–ઉદ્ધાર દેખાવા લાગ્યો. દયાનંદના જીવનમાં અને દૃષ્ટિબિન્દુમાં જબરો પલટો આવ્યો.

દયાનંદે એ ઉદ્ધાર કાર્ય આરંભવાના માર્ગો શોધવા માંડ્યા. એણે આર્યત્વને ફરીવાર ઉજ્જવળ બનાવવાની હિન્દુત્વને ફરીવાર ઉન્નત બનાવવાની પ્રવૃત્તિને જીવનકાર્ય કરવાનો નવો નિરધાર કર્યો. અને એ અર્થ, એની તલસ્પર્શી બુદ્ધિએ વેદધર્મના વિશેષ ઉંડા અભ્યાસની જરૂરિયાત નીરખી. દયાનંદને સ્પષ્ટ દેખાયું કે હિન્દુ કોમને જગાડવા એને હિન્દુ ધર્મને નામે જ હાકલ કરવી જોઇએ. એટલે એણે ફરીવાર, અચળ શ્રદ્ધાથી, ગુરૂરાજની-ધર્મ શાસ્ત્રોનો શાસ્ત્રીય અભ્યાસ કરાવે એવા, વેદની ભવ્યતાનો સાચો પરિચય આપે એવા, ઉપનીષદોના તત્ત્વજ્ઞાનના વૈભવની પિછાન કરાવે એવા, દર્શનશાસ્ત્રોના મહાસાગરમાં છુપાયેલાં પડેલાં અમૂલખ રત્નો ખોળી કાઢવાની શેાધન-શક્તિ આપે એવા ગુરૂની શોધ માંડી. અને આખરે, મથુરામાં ૧૯૬૦ ની સાલમાં, એવા ગુરૂરાજનો પત્તો લાગ્યો.