પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરિષદો ને કોંગ્રેસોના કકળાટ : પરંતુ દેશની ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સત્તાધીશોને હાથે હરાતા આપણા દ્રવ્યનો આંકડો કોઈએ કાઢ્યો છે? ધર્માચાર્યોના ડંડાઓ આપણે ઘેરેઘેર ઘૂમતા દેખ્યા છે? અંધશ્રદ્ધા અને ધર્મભય ઉપર ચાલતી વિરાટ દુકાનદારીના હડફામાં પ્રવેશ પામતાં આપણાં ધનદોલત ગણ્યાં છે? કરોડોને ગુજારો કરવાના મૂઠી ભાત પણ નથી તે દેશમાં પ્રભાતે પ્રભાતે ખડકાતાં દેવદેરાં ને દેવપ્રતિમાઓની નોંધ કરી છે કોઇએ ? કેટલા ગુરૂદ્વારાઓ, કેટલાં તારકેશ્વરો, કેટલા મહંતોના મઠ અને જગ્યાઓ આજ નિર્ધન હિન્દીઓની પાસેથી મનમાન્યા લાગા ઉઘરાવી ઉઘરાવીને રજવાડી વૈભવ વિલાસમાં ગળાબુડ ગરક થઈ મ્હાલી રહ્યા છે, એનો સરવાળો નીકળશે ત્યારે દેશની માટીનું કણેકણ કાંપી ઉઠશે. રાજસત્તાની લૂંટનો આંકડો એ આંકડાની આગળ ઝાંખો પડશે. એ સંપત્તિનાશ થતો નિહાળી નિહાળીને ચોધાર પાણીડાં પાડતું ભારતવર્ષ આજ દયાનંદને એમની બેતાલીસ વર્ષ પૂર્વેની સમાધિમાંથી સાદ કરે છે કે: મહર્ષિજી, તે દિવસ સંધ્યાકાળે, ગંગા મૈયાને કિનારે, સૌંદર્યમુગ્ધ બનીને બેઠાં બેઠાં, એક એારતને આપે પોતાના મરેલા બાળકને કાષ્ટને અભાવે ગંગાજળમાં ડુબાવતી દેખી, અને એ પ્યારા બચ્ચાના કલેવર ઉપર વીંટેલું કપડું પણ પાછું લઈ જતી જોઇ, તે વખતે એ માતાની નિર્ધનતા ઉપર જે વેદના આપે અનુભવેલી, તેનાથી તે દસગણી દરિદ્રતા આજ આપના વ્હાલા દેશમાં વર્તી રહી છે, અને એ નિર્ધનતાનાં પણ રક્ત શોષી શોષીને અમારી આલેશાન ધર્મસંસ્થાઓ રંગ રાગ ઉડાવી રહી છે. તમારા વજ્ર–ખડ્‌ગની આજ વાટ જોવાય છે.

કોઇ પણ રાજસત્તાએ પોતાનો દંડ નથી ઉગામ્યો કે ખબરદાર, તમારાં બાર બાર વરસનાં કમજોર બાળકોને લગ્ન નામની જોગણીના ખપ્પરમાં હોમી દેજો ને તમારી કન્યાઓને