પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૦]

સાથે શાસ્ત્રાર્થ ઉપર વિવાદ ગોઠવવો પડ્યો. વિવાદની તારીખ ૩૧મી જુલાઈ ઠરી, અને વિવાદસભાનું અધ્યક્ષસ્થાન કાનપુરના જોઈન્ટ માજીસ્ટ્રેટ થેરે સાહેબને અપાયું. મુકરર તારીખે થેરે સાહેબના અધ્યક્ષપદ નીચે મહર્ષિજી અને તેમના વિરોધી પક્ષ વચ્ચે વિવાદ ચાલ્યો. અને અન્તે કાજીને આસનેથી વિદ્વાન્ અંગ્રેજે ઇન્સાફ તોળ્યો કે દયાનંદજીની દલીલો વેદશાસ્ત્રને અનુરૂપ હતી, એટલે દયાનંદજીને જ વિજય વરે છે.

ન્યાયમાં અને વિવાદમાં દયાનંદજી અદ્વિતીય હતા. એ ક્ષેત્રમાં એમની સમોવડ કરી શકે એવો એક પણ પુરૂષ એ કાળે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ હશે એવો દયાનંદજીનો બુદ્ધિ પ્રતાપ જાણનારાઓને મુખેથી એ મહર્ષિજીની પ્રશંસા ઝરતી. એમની દલીલ પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરે તેવી સચોટ મનાતી. એમનું વક્તૃત્વ શ્રોતૃવર્ગને વશ કરી લ્યે એવું જાદુઈ લેખાતું. એમના મુખમાંથી વાણીનો એવો અમૃત-પ્રવાહ વહેતો કે સાંભળનારાઓ મુગ્ધ બનીને સાંભળ્યા જ કરતા; અને, કહે છે કે જે મહર્ષિજીનો વિરોધ કરવા આવતા તે એમનો વિજય સ્વીકારી, એમના ચરણમાં મસ્તક ઢાળી એ મહર્ષિજીની ગુણસ્તુતિઓ ગાતા પાછા ફરતા.

મહર્ષિજીની એ શક્તિઓએ કાનપુરમાં વેદધર્મનો વિજયધ્વજ રોપ્યો.

કાનપુરથી મહર્ષિજી કાશી ગયા. કાશી એટલે તો હિન્દુઓનું મહા તીર્થ, હિન્દુ ધર્મનું પાટનગર. ત્યાં ધુરંધર પંડિતો વસતા. તેઓ પોતપોતાના મકાન ઉપર જ્ઞાનનો દીપક અખંડ સળગતો રાખતા. દયાનંદજીએ એ પાટનગર સર કરવાનો અને પંડિતોના દીપકો બુઝાવવાનો નિશ્ચય કર્યો. ૧૮૬૯ની ૨૩ મી ઓક્ટોબરે દયાનંદજીએ કાશીમાં પ્રથમ પગ મૂક્યો. ત્રણ અઠવાડીયાં