પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૧]

સુધી તેમનાં વ્યાખ્યાનો અને ભાષણો ચાલ્યાં. કાનપુરની જેમ કાશીનો પુરાણપ્રેમી પંડિતસમુદાય પણ મૂંઝાયો. આખરે તારીખ ૧૭ મીએ વિવાદસભા ગોઠવાઇ. સભામાં પ્રતિષ્ઠિત સંસ્કૃત પંડિતોએ સારી સંખ્યામાં હાજરી પૂરી. કાશીના મહારાજા પણ હાજર રહેલા. આખી સભા સામા પક્ષની હતી. એ વિરોધીઓની વચ્ચે એકલા છતાં અડગ બેઠેલા મહર્ષિજીએ શાસ્ત્રાર્થ કરવા માંડ્યા. પંડિતોએ પોતાના અર્થ સામા મૂકવા માંડ્યા. વિવાદ કલાકો સુધી ચાલ્યો. ન્યાયની તુલા હજી કોઈ બાજુએ નમી નહોતી, ત્યાં તો વિરોધીઓએ કોલાહલ મચાવ્યો કે દયાનંદ હાર્યા. તાળીઓના બુમરાણમાં દયાનંદજીનો બુલન્દ અવાજ દટાઇ ગયો. સભામાં ભંગાણ પડ્યું. દયાનંદજી ઉપર પ્રતિપક્ષીઓએ ઈંટો અને પથરાનો વરસાદ વરસાવ્યો.

કાશીથી મહર્ષિજી ચંદ્રસેન બારીસ્ટરના આમંત્રણે, ૧૮૭૨ના ડીસેમ્બરમાં કલકત્તા ગયા. કલકત્તા તો બંગાળનું પાટનગર. બંગાળમાં એ વખતે કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ઠાકુર જેવા સુધરકોનો પહોર ચાલતો હતો. બ્રહ્મસમાજની પ્રવૃત્તિ ત્યારે પૂરજોશમાં હતી. બંગાળમાં પશ્ચિમનાં નવાં અજવાળાં ધીમે ધીમે પણ સ્થિરતાપૂર્વક પ્રસરતાં જતાં હતાં. એ સંજોગોમાં હિન્દુસ્તાનના બીજા કોઈ પણ ભાગ કરતાં બંગાળમાં સુધારકનું કાર્ય વિશેષ સરળ હતું.

દયાનંદજી કલકત્તા ગયા, ત્યારે ત્યાંની સનાતન ધર્મરક્ષિણી સભા વેદનું શિક્ષણ આપવા અર્થે સંસ્કૃત પાઠશાળા સ્થાપવાનો વિચાર ચલાવતી હતી. દયાનંદજીએ તેમાં બનતી સહાય કરવાનું વચન આપ્યું.

વેદ પાઠશાળાની સ્થાપનાના કાર્યને જોઈતો વેગ આપ્યા પછી મહર્ષિજીએ નિયમ મુજબ વેદધર્મ ઉપર વ્યાખ્યાનો