પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૩]

સનાતન ધર્મ ઉપર વિપ્લવકારી વ્યાખ્યાનો દીધાં. એમ ફરતા ફરતા મહર્ષિજી અલાહાબાદ ગયા અને ત્યાં ૧૮૭૪ના સપ્ટેમ્બરની આખર સુધી રહ્યા. ત્યાંથી મહર્ષિજી, મુંબઈના કેટલાક અગ્રગણ્ય હિન્દુઓના આમંત્રણને સ્વીકારી, નાશક અને જબલપુર થઈ, મુંબઈ પહોંચ્યા. ૧૮૭૪ના નવેમ્બર માસમાં મહર્ષિજીએ પોતાના વતન તરફના એ રાજનગરમાં પહેલી જ વાર પગ મૂક્યો.

મુંબઇ એ વખતે આખા ઈલાકાનું વાણિજ્યનું મથક બની ચૂક્યું હતું, અને વેપારી વર્ગનો મોટો ભાગ, થોડા પારસીઓ સિવાય, વલ્લભાચાર્યના અનુયાયી હિન્દુઓનો હતો. એ કાળમાં વલ્લભ પંથનું પતન થયું હતું. એના આચારવિચારમાં અનાચારનું વિષ પ્રસરી ગયું હતું. અને એની સામે બંગાળના બ્રહ્મોસમાજની જેમ, મુંબઈમાં પણ પ્રાર્થનાસમાજને નામે સુધારક પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. એ વખતે દયાનંદજીએ મુંબઈમાં ઉતરી વેદધર્મનાં પ્રવચનો કરવા માંડ્યાં, અને વલ્લભપંથના સડાઓ નીડરતાપૂર્વક નિન્દવા માંડ્યાં. દયાનંદજીની બળવાની યુદ્ધ-વાણી સાંભળી જેમ બીજા સ્થળોએ સ્થિતિચૂસ્ત વર્ગમાં જબરો ખળભળાટ મચી રહેતો, તેમ મુંબઈમાં યે વલ્લભ-ઘેલા વૈષ્ણવોમાં માટે ક્ષોભ થયો. બીજા સ્થળોએ જેમ દયાનંદજીના શિર ઉપર ઈંટા અને પથરાનો વરસાદ વરસતો, તેમ મુંબઈમાં પણ એવો વરસાદ વરસ્યો; ઉપરાંત મહર્ષિજીના મસ્તક ઉપર નરકની નીકો ખુલ્લી મૂકાઈ અને કેટલાક ધર્મ ઝનુનીઓએ તો એ યોગી પુરૂષને ઝેર પાઈ તેનો જાન લેવાનો પ્રયત્ન કર્યો. દયાનંદજીએ એ બધા હુમલાને હસ્તે મુખે પુષ્પવૃષ્ટિની જેમ વધાવી લીધા. આદિત્ય બ્રહ્મચારી મહર્ષિજી પોતાને ખવરાવાયેલું ઝેર પણ સુખેથી પચાવી ગયા.