પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૬]

અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિનો સરજનહાર છે. પરમેશ્વર એક જ ઉપાસનીય છે.

૩. વેદ સર્વ સત્ય વિદ્યાઓનો ગ્રંથ છે. વેદનો પાઠ કરવો અને કરાવવો, વેદનું શ્રવણ કરવું અને કરાવવું એ પ્રત્યેક આર્યનો ધર્મ છે.

૪. સત્યનો સ્વીકાર કરવામાં અને અસત્યનો ત્યાગ કરવામાં સદા તત્પર રહેવું ઘટે.

૫. દરેક કામકાજ ધર્માનુસાર એટલે સત્યાસત્યનો વિચાર કર્યા પછી જ કરવું ઘટે.

૬. સંસારનું કલ્યાણ કરવું એટલે ચેતન માત્રની શારીરિક, સામાજીક અને આત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવા એ આ સમાજનો મુખ્ય ઉદેશ છે.

૭. પ્રેમ, ધર્મ અને ન્યાય અનુસાર સર્વની સાથે વર્તવું.

૮. અવિદ્યાનો નાશ કરવો અને વિદ્યાની વૃદ્ધિ કરવી.

૯. કોઇએ માત્ર પોતાની અંગત ઉન્નતિમાં સંતોષ નહિ માનવો જોઇએ, પરંતુ સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઇએ.

૧૦. સમષ્ટિના હિતને અર્થે સમાજના જે નિયમો હોય તેનું સૌએ પાલન કરવું ઘટે; પરંતુ જે નિયમો માત્ર વ્યક્તિના હિતને સ્પર્શતા હોય તેના પાલનમાં પ્રત્યેક મનુષ્યને સ્વતંત્રતા હોવી જોઇએ.

એવા પવિત્ર સિદ્ધાંત સાથે, મુંબઈમાં આર્યસમાજનું પ્રથમ બીજ રોપાયું. એ બીજમાંથી આજે આખા આર્યાવર્તમાં તેની શાખાઓ અને ઉપશાખાઓ પ્રસારતું એક પ્રચંડ વૃક્ષ નીકળ્યું છે. એ વૃક્ષની કોઇ કોઇ શાખા તો દુનિયાના બીજા ખંડોમાં યે પહોંચી છે. એની છાયા નીચે - આર્યસમાજના આશ્રય નીચે આજે લાખોની સંખ્યામાં હિન્દુ નરનારીઓ તેમના ધર્મની, તેમની કોમની, તેમના દેશના ઉદ્ધારની અનેકવિધ પ્રવૃત્તિઓ અથાક કરી રહ્યા છે. એજ મહર્ષિજીનું જીવનકાર્ય હતું. એના પાયા મુંબઇમાં નખાયા.