પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૮]

આર્યસમાજની શાખા નંખાઈ. સુપ્રસિદ્ધ સંચારસુધારક સ્વ. રાનડે વગેરે દક્ષિણી અગ્રેસરો મહર્ષિજીના વાવટા નીચે આવી ઉભા. એ શિક્ષિત વર્ગે મહર્ષિજીના પુના-નિવાસ દરમ્યાન તેમનો ખૂબ સત્કાર કર્યો. મહર્ષિજીની હાથી ઉપર સ્વારી કાઢી તેમનાં બહુ માન કર્યા. પણ એ વખતે સ્થિતિચૂસ્ત પક્ષે મહર્ષિજી ઉપર પત્થરો વરસાવ્યા અને કાદવ છાંટ્યો અને ભારે તોફાન મચાવ્યું. મહર્ષિજીના જાન ઉપર હુમલો થયો. મહર્ષિજીએ, તો હંમેશ મુજબ, એ બધું પ્રફુલ્લ ચિત્તે જ સહી લીધું.

પુનાથી અનેક ગામો અને નગરોમાં ભ્રમણ કરતા મહર્ષિ દિલ્હી આવ્યા. દિલ્હીમાં પ્રસિદ્ધ કેસરી દરબાર ભરાયો, તેમાં, સર્વ સંપ્રદાયના નાયકોએ સાથે મળી ધાર્મિક સંશોધનનું કાર્ય ઉપાડી લેવા મંત્રણા ચલાવી. બાબુ કેશવચંદ્ર સેન, સર સૈયદ અહમદ, શ્રી. કનૈયાલાલ અલખધારી વગેરે સંપ્રદાય-નેતાઓએ એ સંમેલનમાં હાજરી આપી. પણ આખરે એ મંત્રણાનું કશું પરિણામ ન આવ્યું.

મહર્ષિજી દિલ્હીથી મીરજ ગયા. ત્યાં વેદટંકાર કરી સહરાનપુર પહોંચ્યા. સહરાનપુરથી ચાંદાપુરના ધર્મ મેળામાં ભાગ લેવા ઉપડ્યા. ચાંદાપુરમાં મુનશી પ્યારેલાલજીએ સર્વ ધર્મના પ્રતિનિધિઓને નિમંત્રી એક ધર્મ વિવાદ ગોઠવેલો. તેમાં ઈશ્વર, પૃથ્વી, શાસ્ત્ર, મુક્તિ વગેરે ધર્મના મુળતત્વોને લગતા પાંચ સવાલ વિવાદ માટે મૂકાયા, ખ્રીસ્તી ધર્મ અને મુસલમાન ધર્મના પ્રતિનિધિઓના ઉત્તરો સભાએ સાંભળ્યા પછી, મહર્ષિજીએ વેદ ધર્મના પ્રતિનિધિ તરીકે ઉત્તરો સંભળાવ્યા. કોના ઉત્તર શ્રેષ્ઠ એ બાબત અનિશ્ચિત રહી. છતાં યે મહર્ષિજીના ઉત્તરોની મર્મજ્ઞતા, તલસ્પર્શિતા અને સચોટતાએ સભાના અંતર ઉપર સજ્જડ છાપ મૂકી.