પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૩ ]


અન્ય મહારાણાઓની જેમ જોધાણનાથ જસવંતસિંહજીએ પણ મહર્ષિજીના પ્રભાવ નીચે એમના રાજોચિત અનેક વ્યસનો અને વિલાસો ત્યાગવા માંડ્યા. જસવંતસિંહજીની માનીતી નાયકા નન્નીજાનથી એ ન સહાયું. એણે સ્વાર્થને ખાતર મહર્ષિજીનો જાન લેવાનું કાવતરૂં રચ્યું. મહર્ષિજીના એક રસોઈઆની બેવફાઈથી એ કાવતરૂં સફળ થયું. મહર્ષિજીને વિષ પીરસાયું.

દરરોજ સવારે ત્રણને ટકોરે મહર્ષિજીના નેત્રો ઉઘડતાં, શૈાચ-સ્નાનમાંથી પરવારીને એ મહાનુભાવ યોગમાં બેસતા. તરેહતરેહનાં આસનો વાળીને મહર્ષિ કસરત કરી લેતા. પ્રાણાયામમાં વિરાજતી વેળા મહર્ષિજીની પ્રતિમા તપેલા સુવર્ણ સરખી દેદીપ્યમાન લાગતી. સૂર્યોદય પૂર્વે તે ફરવા નીકળતા; એટલી ઝડપથી ચાલતા કે બીજું કોઈ એમની સંગાથે જાય તો દોડવું પડે. દૂર એકાંતમાં જ એક કલાક સુધી સમાધિ ચડાવતા. આઠને સુમારે પાછા ફરતાં પાછા ફરીને શબ-આસન લગાવી, તદ્દન નિર્જીવ જેવું શરીર બનાવી દઈને વીસ ઘડી સુધી મહર્ષિજી વિસામો લેતા. વિસામો ખાઇને શેર એક દૂધ પીતા. ત્યાર પછી અગીઆર વાગતાં સુધી લખવા લખાવવાનું કામ ચાલતું.

પછી ભોજન કરતા બે તોલાથી વધુ ઘી નહીં અને આઠથી વધુ રોટલી નહીં; એટલું મહર્ષિજી સારી પેઠે ચાવીને પેટમાં ઉતારતા જમતાં જમતાં ખબરપત્રો પણ સાંભળી લેતા. ભેાજન બાદ અર્ધી ઘડી આરામ પછી સાંજના ચાર સુધી કામકાજ: ચારથી આવનારાઓને મળવું, પ્રશ્નોના ઉત્તર દેવા: તે છેક દસ વાગ્યા સુધી ચાલતું. બરાબર દસના ટકોરે એક દૂધનો કટોરો પીઇ મહર્ષિજી સ્વચ્છ બિછાના પર શયન કરતા;