પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૪ ]

અને નિંદ્રા જાણે કે વાટ જ જોતી હોયને, એટલી ઝડપથી એ ઘસઘસાટ ઉંઘી જતા.

એ મુજબ મહર્ષિજીએ સંવત ૧૯૪૦ની કાળી ચૌદશની રાત્રે તેમના રસોયા જગન્નાથ પાસેથી દૂધ મંગાવી પીધું. દૂધમાં કાળકૂટ ઝેર મિલાવેલું હતું. એ જલદ ઝેરે આજીવન બ્રહ્મચારી દયાનંદનો જીવ લીધો.

વિષપાન પછી જોધાણનાથે મહર્ષિજીની સારવાર માટે મોટા મોટા હકીમોને નોતર્યા; એમના ઉપચાર સફળ ન થયા; મહર્ષિજીને આબુની છાયામાં અને પછી અજમેરમાં અંગ્રેજી તબીબોની સારવાર માટે લઇ ગયા. પણ એ વિષ કોઇ ન વાળી શક્યું. પછી કાર્તિક માસની કૃષ્ણ ચતુદર્શીની રાત્રિએ ઝેર ફૂટી નીકળવાથી મહર્ષિજીના આખા શરીર ઉપર, મ્હોં ઉપર, જીભ ઉપર ફોલ્લા ઉઠ્યા. મહર્ષિજીને પારાવાર વેદના થવા લાગી, છતાં મૃત્યુંજયની સહનશીલતાથી સૌરાષ્ટ્રના એ નરશાર્દૂલ, વેદના મંત્રો ઉચ્ચારતા અને પરમાત્માના ગુણગાનની ગાયત્રી ગાતા, કાર્તિકની અમાસે મૃત્યુને ભેટ્યા. ભારતવર્ષને વેદના પ્રકાશથી ભરી દેનારા એ વેદ-ઝંડાધારીની જીવનજ્યોત ૧૮૮૩ના ઑક્ટોબરની ૩૦ મી રાત્રિએ બુઝાઇ. ૫૯ વર્ષની આવરદા ભારતવર્ષના કલ્યાણમાં ખર્ચી એ મહર્ષિ કલ્યાણધામમાં ચાલ્યા ગયા.

એ ઝંડાધારીના અવસાન પછી યે, એનો રોપેલો આર્યત્વના ઉદ્ધારનો ઝંડો આજે વિશેષ ઉન્નત ભાવે ભારતના ગગનમાં ફરકી રહ્યો છે.