પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફુંકે ફુંકે પ્રગટ થયેલી, પ્રજાના અલૌકિક વિશ્વાસથી વિભૂષિત બનેલી, પ્રજામાંના ગરીબમાં ગરીબનું પણ પોષણ પામી પ્રફુલ્લિત થયેલી, ને બે ઘડી પછી એ પ્રભાવશાળી વ્યક્તિઓના માત્ર પડછાયા જેવી જ થઈ પડેલી, મુવાને વાંકે જીવતી શિક્ષણ સંસ્થાઓને જોતાં જ આપણને યાદ આવે છે કે કાંગડી અને મથુરાનાં ગુરૂકુળો સ્થાપનાર સમર્થ કેળવણીકાર એક દયાનંદની આપણને આજે ભીડ પડી છે. આજ આપણે માત્ર નખરામાં જ પડી ગયા છીએ.

જો હિન્દુ ધર્મ આજ ત્રાજવામાં તોળાઈ રહ્યો હોય અને એ તુલાની સામે સારૂં ય જગત તાકી રહ્યું હોય, તો એ તુલાના છાબડાની અંદર દયાનંદના જીવન-તત્ત્વને ધર્યા વિના આપણું વજન નથી વધવાનું. ભર સભામાં એને ગાળો આપીને જાન લેવા ધસી આવનાર એક પ્રચંડ જાટ પોતાના નેત્રોમાંથી લોહી વરસાવતો એને પૂછે છે કે 'બોલ, તારા શરીરના કયા ભાગ પર પ્રહાર કરીને તારો - ધર્મઘાતીનો જીવ લઉં ?' 'ભાઈ; તું જેને ધર્મઘાત કહે છે, તે કરનારૂં તો આ દુષ્ટ મારૂં મસ્તક છે, માટે તેના ઉપર જ ઘા કર.' એવો પ્રફુલ્લ ઉત્તર આપીને એ ઘાતકનું માથું પણ પોતાના ખોળાની અંદર નમાવી શકનાર એ અહિંસા વ્રતધારી : અને બીજી વેળા ખુલ્લું ખડ્‌ગ ઉગામીને પોતાનો ઠાર કરવા ધસી આવનાર રાવ કર્ણસિંહજીના હાથમાંથી એ ખુદ ખડ્‌ગ જ ઝુંટવી લઈને, શિવ-ધનુ તોડનાર શ્રી રામચંદ્રની જ શાંત છટાથી એક જ હાથ ખડ્‌ગના બે ટુકડા કરી રાવશ્રીને પાછા ક્ષમા દેનાર વીર: બન્ને એક જ હતા. એવું બ્રહ્મવર્ચસ્વ ને એવું વીર્ય આજ હિન્દુ ધર્મ માગી રહ્યાં છે. નહિતર હિન્દુ ધર્મનો મૃત્યુ-ઘંટ વાગતો સાંભળીએ છીએ. આજ તો જગદ્વંદ્ય વ્યકિતઓનાં ગળાં પણ બોલી બોલીને સુઝી ગયાં છે. બેનમૂન શબ્દોના અને પવિત્ર શ્વાસોચ્છવાસના વ્યર્થ