પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૬]

મેડમ બ્લેવેટ્સ્કી અને કેશવચંદ્ર સેન જેવા પણ તેજમાં અંજાઈ ગયેલા. મહર્ષિજીના બ્રહ્મચર્યના વર્ચસે જ એમને દોડતી જતી બે ઘોડાવાળી જોધાણનાથની ગાડીને પાછલું પૈડું પકડીને ઉભી રાખવાની અને ઝેર પચાવી જવાની તાકાત અર્પેલી. મહર્ષિજીએ બુદ્ધિનો અને આત્માનો પ્રખર વિકાસ સાધવાની સાથોસાથ શરીરનો પણ એટલો જ વિકાસ સાધેલો. બુદ્ધિના યજ્ઞમાં એમણે શરીરનો બલિ આપી દીધો નહીં, એટલે જ એમની વિવાદશક્તિ અપૂર્વ હતી અને તેમની સ્મરણશક્તિ અતિ તીવ્ર હતી. પૂરતી કાળજીથી ખિલાવેલા એ અમાનુષી સામાર્થ્યને પ્રતાપે જ મહર્ષિજીના કંઠમાં, વર્ષોના યુદ્ધને અંતે વિજ્યની વરમાળ પડી.

અને મહર્ષિજીના વિજ્યમાં સહાય પૂરનારા એમના જીવનના બીજા વિશિષ્ટ ગુણો યે જાણે કોઈ પાસાદાર મણિરત્નની જૂદી જૂદી પ્રકાશવંતી બાજુઓના જેવા જ પ્રકાશી રહે છે. મહર્ષિજીએ જીવનની છેલ્લી ઘડી સુધી મગજમાંથી એ ખ્યાલને ખસવા ન દીધો કે એણે વૈભવ અને વિલાસ સામે, દંભ અને દુરાચાર સામે, અધર્મ અને અનીતિ સામે, મહન્તગીરીઓ અને ગુરૂપદ સામે બળવો માંડ્યો છે. અને એટલે જ એણે એક લંગોટી ઉપર જ આખી જીન્દગી વીતાવી. શ્રીમઠના મહન્ત મહન્તગીરીની અને ઉદયપુર-નરેશની રાજગુરૂ બનવાની વિનવણીઓને લાત મારી અને તેના પોતાના આર્યસમાજના પ્રમુખ થવાની આર્યસમાજીઓની આગ્રહી માગણીઓને આખર સુધી અવગણી. મહર્ષિ મરણ સુધી સામાન્ય સભાસદ રહ્યા. મહર્ષિજીની એ નીઃસ્પૃહ મનોદશાએ એમની ઉદાર પ્રવૃત્તિઓને કેવી બલિષ્ટ બનાવી દીધી છે ?

મહર્ષિએ કદી કીર્તિને માટે કે સત્તાને માટે યે પરવાહ નથી કરી, સત્યને જેવું જોયું તેવું જ બોધનારા અને આચરનારા