પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૭]

એ જીવનાન્ત સુધી અવધૂત જ રહ્યા. એના સત્યપ્રેમને કોઈ સામ્રાજ્યસત્તા ડગાવી શકી નહીં. કોઈ સંયોગો નમાવી શક્યા નહીં. એટલે જ બરેલીમાં ખડખડાટ હાસ્ય કરીને એ સત્યવીર બોલેલા કે 'ત્રિલોકનું રાજ્ય મારે ચરણે ધરો તો યે હું સત્યનો સાથ નહીં છોડું. ત્રિલોક કરતાં સત્ય મને વધારે પ્રિય છે.'

મહર્ષિજીને સત્ય પ્રત્યે જેટલો પ્રેમભાવ હતો એટલો જ પ્રબળ તેમને અસત્ય અને દંભ પ્રત્યેનો તિરસ્કાર હતો. આર્યધર્મને નામે આર્યાવર્તમાં વ્યાપેલા અસત્ય અને દંભ એમનાથી ન જોઈ શકાયા. એટલે જ તેમણે સત્ય પ્રકાશને માટે, વેદધર્મના પુનઃસ્થાપનને માટે ભેખ લીધો. અને પછી તે મહર્ષિજીનો જ્વલંત આશાવાદ, એમનો અથાક ઉત્સાહ, એમનું અજેય ઇચ્છાબળ, એમની અડગ હિમ્મત, એમનું વિરલ ચારિત્ર્ય - એ સામર્થ્ય - ભંડોળના પ્રતાપે મહર્ષિજીએ ૐ ના જયનાદથી ભારતવર્ષ ગજાવી મૂક્યો. આજે યે જેના જયનાદથી ભારતવર્ષનાં ગામ ગામડાં અને નગરો ગાજી રહ્યાં છે. એ મહર્ષિજીની હાકલથી આખી હિન્દુકોમ જાગી ઉઠી છે.

મહર્ષિજીનો એ ૐ નાદ અનેક વસ્તુઓનો સુચક છે. મહર્ષિજીના ૐ નાદ એટલે વેદધર્મની પુનઃસ્થાપના અને એ વેદધર્મને નામે અનેક સામાજિક સુધારણાઓનો સદ્બોધ. મહર્ષિજીની એક માન્યતા હતી કે જે વસ્તુ બુદ્ધિને ગ્રાહ્ય ન હોય એ વસ્તુ કદીયે શાસ્ત્રીય ન હોય, અને એમના કાળમાં, આજની જેમ એવી અનેક વસ્તુઓ, અનેક રૂઢિઓ અને રિવાજો ધર્મને નામે ચલણી બની ગયેલા કે જેને બુદ્ધિ કદીયે સ્વીકારી શકે નહીં. એટલે મહર્ષિજીને વેદધર્મના પુનઃપ્રસારને માટે પ્રથમ સામાજિક સુધારણાનું કાર્ય હાથ ધરવું પડ્યું.