પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૮]

એમને મન વેદપ્રચાર અને સમાજસુધારણા બન્ને સરખા મહત્ત્વની વસ્તુઓ બની રહી. એ બન્ને મહર્ષિજીના મહાકાર્યનાં અનિવાર્ય અંગ બની ગયાં, મહર્ષિજીએ હિન્દુ જાતિમાં કોમ, જ્ઞાતિઓ અને વાડાઓના કોઇ પાર વિનાના ભેદ જોયા અને વેદશાસ્ત્રમાં વર્ણવેલા ચતુવર્ણોનો બોધ દીધો.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રઃ એમ આદમીના કર્માનુસાર - જન્માનુસાર નહીં ચાર વર્ણમાં હિન્દુસમાજની પુનઃ રચનાનો બોધ દીધો. પછી, મહર્ષિજીએ, હિન્દુકોમનું શરીરબળ હણી રહેલા બાળલગ્નના રિવાજ ઉપર પ્રહાર કર્યો. તેમણે આદેશ દીધો કે “વેદશાસ્ત્ર મુજબ લગ્ન વખતે કન્યાની કમમાં કમ ૧૬ વર્ષની વય અને પુરૂષની એાછામાં એાછી ૨૫ વર્ષની ઉમર હોવી જોઈએ, એથી એાછી ઉમ્મરે લગ્ન થાય એ શાસ્ત્ર વિરૂદ્ધ છે. જાતિનો હ્રાસ અટકાવવા સબળ સંતતિ જોઈએ; અને સબળ સંતતિ જન્માવવા પુખ્ત ઉમ્મરનાં સ્ત્રીપુરૂષોએ ગૃહસ્થાશ્રમ માંડવા જોઈએ. કાચી વયનાં પતિપત્નીના સંભોગથી નીપજેલાં બાળકોને-એ બાળલગ્નના દૈત્યોને જ આર્યાવર્તની આજની અવદશા આભારી છે. મહર્ષિજીના એ આદેશ મુજબ એમનાં અનુયાયી લાખો આર્યસમાજીઓમાંથી આજે બાળલગ્નનો કુરિવાજ બંધ થયો છે.

મહર્ષિજીએ હિન્દુ સ્ત્રીની દુર્દશા જોઈ સ્ત્રીઓને આચાર વિચારની યોગ્ય સ્વતંત્રતા આપવાની હિમાયત કરી. તેમણે પરદેશગમન સામે ધર્મને નામે ચાલતા પ્રતિબંધનો ઇન્કાર કર્યો અને પુરાતન ઇતિહાસમાંથી દૃષ્ટાંત આપી સિદ્ધ કરી આપ્યું કે પ્રાચીન કાળમાં પરદેશગમનની પરેપૂરી છુટ હતી. એ સવાલ ઉપર મહર્ષિજીએ ઇતિહાસની દૃષ્ટિએ સુંદર વિચારો રજૂ કર્યા છે. એ માંહેનો એક ફકરો આ નીચે ઉતારી લઈએ;