પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૨]


આર્યસમાજનાં સૌથી વિશાળ પુસ્તકાલયો લાહોરની દયાનંદ એંગ્લોવેદિક કોલેજમાં, કાંગડી ગુરૂકુલમાં અને વંદ્રાવન શ્રેપ-મહાવિદ્યાલયમાં ઉભાં છે. ભારતવર્ષના શ્રેષ્ઠ પુસ્તકાલયોની હોડ કરી શકે એવાં તે સમૃદ્ધ છે.

વેદધર્મના પ્રચાર અર્થે, હિન્દુત્વને જાગ્રત્ કરવાના ઉદ્દેશથી, આર્યસમાજ તરફથી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગુજરાતી, તેલુગુ વગેરે ભાષાઓમાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અને માસિક મળીને આજે કુલ ૪૦ સામયિકો પ્રગટ થાય છે.

કેટલાક વર્ષથી એક આર્ય-સ્વરાજ્યસભા સ્થાપવામાં આવી છે. તેના તરફથી પંજાબમાં પતિતોદ્ધારનું કાર્ય વેગથી વધી રહ્યું છે. સંયુક્ત પ્રાન્તમાં આર્યસમાજીઓના ઉપયોગને અર્થે એક કૂપરેટીવ બેન્ક ચાર વર્ષથી લખનૌમાં સરસ રીતે ચાલી રહી છે.

આટલી વિધવિધ સંસ્થાઓ આપવા ઉપરાંત દયાનંદજીએ - એમના આર્ય સમાજે અનેક સમર્થ દેશભક્તો આપ્યા છે. લાલા લજપતરાય, લાલા હંસરાજ, લાલા હરદયાળ, સ્વામી શ્રદ્ધાનંદ, ગુરૂદત્ત લેખરામ, રાજા મહેન્દ્રપપાત, રામભૂજદત્ત ચૈાધરી, પ્રો. રામદેવ, ભાઈ પરમાન્દ, સ્વામી સત્યદેવ વગેરે અનેક રાજકીય નેતાઓ એ આર્યસમાજની ભારતવર્ષને ચરણે બક્ષીસ છે.

આવું કાર્ય સાધનારો, આટલો પ્રેરક સંદેશ આપનારો, આવડો જબ્બર અનુયાયી સંઘ મેળવનારો, રાષ્ટ્રઉદ્ધારની આવી પ્રચંડ શક્તિ સર્જનારો કોઈ પુરૂષ ભારતની તવારીખમાં બીજે નથી દેખાતો. દયાનંદ અજોડ છે. એ પુરૂષવરના ચરણમાં કોટિ કોટિ પ્રણિપાત હો !