પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દુર્વ્યય થવામાં હવે તો હદ વળી ગઇ છે. છતાં પ્રજા સળવળીને પાછી પોઢી જાય છે. તે વખતે એવા તેજની જરૂર છે કે જેના શબ્દનો રણકાર શતાબદી શતાબ્દી સુધી કરોડોના કાનમાં ગુંજી રહે, જેની ફુંકે મુડદાં મસાણમાંથી ઉભાં થાય.

આપણને - દેશી રાજ્યોની પ્રજાને તે મહર્ષિજીનો - જીવન સંદેશ એના મૃત્યુમાંથી મળે છે. રાજાઓ તો હરકોઇ જાતની જાગૃતિના કટ્ટા શત્રુઓ હોય એમ મનાયું છે. અને રજપૂતાનામાં તો એ દશા અતિ ઉગ્ર રૂપે વર્તી રહી છે. છતાં દયાનંદે ત્યાં જઈ અખાડા નાખ્યા. કૈંક રાજમુગટો એની ચરણરજ ચુમવા માટે નીચા નમ્યા, ત્યાં એણે જ્ઞાનનો ઝાકમઝોળ દીવડો પેટાવ્યો, અને રાજાઓને વેશ્યાના છંદમાંથી છોડાવવા જતાં ઝેરને પણ અંગીકાર કરી લીધું, મોરબીની માટીનું ઋણ એણે મારવાડમાં જઈને ચુકાવ્યું. દેશી રાજ્યોને માટે એ રીતે મરી જાણનારાઓની આજે જરૂર પડી છે.

એને અન્યાય થયો છે. અને કયા દેશમાં એવા દેવદૂતો પોતાની હયાતી દરમ્યાન ઈન્સાફ પામી શક્યા છે? પરંતુ મહર્ષિજીને મળેલો ફિટકાર તો હિન્દમાતાના હૈયા પર તાજા પડેલા ઘા જેવો છે. નિન્દુકોએ તો “દયાનંદ એટલે 'મૂર્તિભંજક' એવો જ નાદ કરોડોના કાનમાં ભરી દીધો, અને શ્રદ્ધાળુ હિન્દુ- સમાજ એ વિષ વગર જોયે ગળી ગયો. પણ ક્યાં ગઈ એની બીજી વિભૂતિઓ ? બ્હેનનું શબ દેખીને જન્મેલો વૈરાગ્ય, વિવાહનો વિમોહ, સત્યની શોધમાં એક કૌપિનભરનો રઝળપાટ, ગુરૂદેવની અકારણ મારપીટ પ્રત્યે સમભાવ, ગુરૂદક્ષિણામાં ભારતવર્ષને સેવવાના શપથ, વેદવાણીનો બુલંદ ધોધ, ઠામઠામ વિજયટંકાર છતાં નિરાભિમાનતા નિર્મોહ ભારોભાર મર્મવેધિપણું ને ભારોભાર સૌમ્યતા, મૂર્તિભંજક છતાં નાગાંપૂગાં બાળકો વચ્ચે ખેલતી નાની કન્યાઓમાં વિરાટ માતાનું દર્શન