પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૦ ]

વાતો સુઝાડે છે. માટે તારે સજા કરવી હોય તો એ અપરાધી માથા ઉપર જ તારી ડાંગ ઝીંકી દે બેટા !”

એ ક્ષમા-વીરનાં નેત્રોની જ્યોત પેલા જાટનાં નેત્રોમાં પડી. ધગધગતો અંગાર જાણે કે જળધારા વડે બુઝાઇ ગયો. સ્વામીજીના ચરણોમાં તે ઢળી પડ્યો. રડવા લાગ્યો. સ્વામીજી બોલ્યા, “વત્સ ! તેં કશુંય નથી કર્યું. કદાચ તેં મને માર્યો હોત તો પણ શી ચિંતા હતી ? જા, પ્રભુ તને સન્મતિ દેજો !”

૨.

સેંકડો રાજપૂતોને યજ્ઞોપવિત દેતા દેતા સ્વામીજી ગામેગામ ઘુમી રહ્યા હતા. એક વખત કર્ણવાસમાં એમનો પડાવ હતો. ગંગાસ્નાનના મેળા પર હજારો માનવી એકઠાં થએલાં હતાં. બરેલીના ઠાકોર રાવ કર્ણસંહ પણ આવેલા. આ રાવને વૈષ્ણવ પંથનો એવો તો નાદ લાગેલો કે પોતાના નોકર ચાકરોને-અરે ગાય, ભેંસ તેમજ ધાડાએાને કપાળે ને કંઠે પણ તે બલાત્કાર કરીને તિલક,કંઠી લગાવી રહ્યા હતા. એક રાત્રિએ એના મુકામ પર રાસલીલા રમાતી હતી. સ્વામીજીને પણ પંડિતો બોલાવવા આવ્યા. સ્વામીજીએ કહ્યું “એવા હલકા કામમાં હું ભાગ નહિ લઇ શકું. આપણા પુજનીય પુરૂષોનો તમે વેશ ભજવી રહ્યા છો, એ કૃત્ય ધિકારને પાત્ર કહેવાય.” રાવ કર્ણસિંહને આ અપમાનનો ઘા વસમો લાગ્યો. બીજે દિવસે સાંજરે પોતાના મંડળને લઇ ખુન્નસભર્યો રાવ આવી પહોંચ્યો. સ્વામીજી ઉપદેશ કરી રહ્યા છે. શ્રોતાઓ શ્રવણમાં તલ્લીન છે. રાવને આવેલા જોઇ સ્વામીજીએ સત્કાર કર્યો કે “આવો.“

“ક્યાં બેસીએ !" કડક સ્વરે રાવ ગરજી ઉઠ્યા.

“જ્યાં આપની ખુશી હોય ત્યાં.” હસીને સ્વામીજી બોલ્યા.