પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૨]


'ના.'

'ત્યારે આપના કથન પ્રમાણે તો આપના પૂર્વજો તેમજ થોડાં વર્ષ પૂર્વે આપ પોતે પણ ચંડાળ જ હતા એમ ઠર્યું !'

રાવનો હાથ તલવારની મૂઠ ઉપર ગયો અને એણે ત્રાડ દીધી, 'મ્હોં સંભાળીને બોલ !'

બીજા દસબાર હથિયારબંધ લોકો હતા તેના પંજા પણ પોતપોતાની તલવાર પર ગયા. શ્રોતાઓ ડરી ગયા. પણ સ્વામીજીએ તો પોતાની સદાની ગંભીર વાણીમાં શરૂ રાખ્યું કે 'શીદને ડરો છો ? કશી ચિંતા નથી. મેં સત્ય જ કહ્યું છે.'

રાફડામાંથી ભભૂકતા ફણીધરની માફક રાવ કર્ણસિંહ ફુંકાર કરતા ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા. એનો જમણો હાથ વારંવાર ખડ્ગની મૂઠ પર જવા માંડ્યો. પરંતુ સ્વામીજીએ તો મ્હોં મલકાવીને જ શાંત વાણી ઉચ્ચારી કે “રાવ સાહેબ, વારંવાર ખડ્ગ શા માટે ખખડાવો છો ? જો શાસ્ત્રાર્થ કરવો હોય તો આપના ગુરૂજીને તેડી લાવો, પણ જો શાસ્ત્રાર્થ જ કરવો હોય તો પછી અમને સંન્યાસીને શીદ ડરાવો છો ? જઈને જયપુર જોધપુરની સાથે બાખડો ને !'

કોપ-જ્વાળામાં સળગતો રાવ તલવાર ખેંચીને સ્વામીજીની સામે ધસ્યો. એકવાર તો સ્વામીજીએ ધક્કો દઈને દુશ્મનને પાછો નાખ્યો, ત્યાં તો ચેાગણો કોપ કરીને રાવ ફરીવાર ધસ્યો. સ્વામીજી પર તલવાર ફરવાની જરા યે વાર નહોતી. પણ સ્વામીજીએ ઉભા થઈને ઝપાટામાં પોતાનો પંજો પહોળો કરી રાવના હાથમાંથી તલવાર ઝાલી ઝુંટવી લીધી, અને તલવારની પીંછીને જમીન ઉપર ટેકવી, મૂઠ પર એક એવો દાબ દીધો કે 'કડાક' કરતા એ તલવારના બે ટુકડા થઈ ગયા. રાવનું કાંડું પકડીને સ્વામીજીએ કહ્યું, “કેમ, હવે હું