પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૬]


અજમેરનો પાદરી શૂલબ્રેડ સાહેબ, સ્વામીજીનાં નિખાલસ સત્યની ઝાળને સહન ન કરી શક્યા. રાતી પીળી મુખમુદ્રા કરીને એણે સ્વામીજી સન્મુખ ચેતવણી ઉચ્ચારી કે 'કેદમાં પડશો, કેદમાં !'

હસીને સ્વામીજીએ જવાબ દીધો: 'બંધુ, સત્ય ખાતર કેદ પકડાવું એ તો લગારે લજ્જાની વાત નથી. એવી વાતોથી હું હવે નિર્ભય બની ગયો છું. મારા વિરોધીઓ કદાચ મને તુરંગની કોટડીમાં નખાવશે, તો એ વેદના સહેતાં સહેતાં ન તો હું મારા પ્રતિપક્ષીઓનું બુરૂ વાંછવાનો કે ન તો મારા દિલમાં કશી દિલગીરી થવાની, પાદરીજી! લોકોને ડરાવ્યો હું સત્યને નહિ છોડું. ઇસુ ભગવાનને યે ક્યાં નહોતું લટકવું પડ્યું.'

એક દિવસ એક બ્રાહ્મણે આવીને સ્વામીજીને પાનનું બીડું અર્પણ કર્યું. ભાવિક મનુષ્યની સ્નેહ-ભેટ સમજીને સ્વામીજીએ બીડું મ્હોંમાં મૂક્યું. લગાર રસ લેતાં જ પોતે પામી ગયા કે પાનમાં ઝેર છે, એ પાપીને કશું યે ન કહેતાં પોતે ગંગાકિનારે જઈ, ઉલટી કરી, ઝેર ઉતારી નાંખ્યું. કાંઈ યે ન બન્યું હોય તેમ આવીને પાછા આસન પર શાંત મુખમુદ્રા લઈ બેઠા, પણ પાપ ન છુપ્યું. અપરાધી ઝલાયો. તહસીલદારે એ પાપીને પકડી ગિરફતાર કર્યો. તહસીલદારે માન્યું કે સ્વામીજી પોતાના પર પ્રસન્ન થશે, પણ સ્વામીજીએ તો એની સાથે બોલવુંયે બંધ કર્યું. ચક્તિ બનેલા તહસીલદારે સ્વામીજીની નારાજીનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે 'ભાઈ ! મારે ખાતર તમે એક પામર મનુષ્યને કેદમાં પૂર્યો તેથી હું ઉદાસ છું. હું આંહી મનુષ્યને બાંધવા નથી આવ્યો, મુક્ત