પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૭]

કરવા આવ્યો છું, બીજાઓ પોતાની સજ્જનતા ત્યજે, પણ તેથી હું મારી ખાનદાનીને શા સારૂં ગુમાવું?

તહસીલદારે બ્રાહ્મણને છોડી દીધો.

૧૦

કાશીના મહારાજાની સરદારી નીચે બનારસી પંડિતોએ આવીને એક વાર દયાનંદજીને શાસ્ત્રાર્થને માટે ઘેરી લીધા. પોતાના વિજયની જૂઠી તાળીઓના હર્ષનાદ કરીને સંધ્યાકાળે પંડિતોની ટોળીએ શોર ઉઠાવ્યો. ગડબડ મચી ગઈ. પચાસ હજાર શ્રોતાઓની મેદનીમાંથી સ્વામીજીને શિરે ઈંટો, પત્થરો, છાણ અને ખાસડાંની તડાપીટ બોલી. સાધુવર શબ્દ સરખો યે ન બોલ્યા, ફૂલો વરસતાં હોય તેવી પ્રસન્ન મુખમુદ્રા રાખીને બેઠા રહ્યા. પંડિતો પણ પોતાનો દિગ્વિજય થયો માની ચાલ્યા ગયા. ઈશ્વરસિંહજી નામના એક પંડિતે જ્યારે દયાનંદ ઉપર આવું વીતક વીત્યાની વાત સાંભળી, ત્યારે એણે મનસૂબો કર્યો કે, “ચાલો, જોઈએ તો ખારા કે અત્યારે દયાનંદ ઉપર આ અપમાનની શી અસર થઈ છે ? એના બ્રહ્મજ્ઞાનીપણાનું માપ તો કાઢીએ.'

ઈશ્વરસિંહજી ઉદ્યાનમાં પહોંચ્યા. જુએ છે તો શીતલ સુમધુર ચાંદનીમાં સ્વામીજી કુંજર શી ગતિએ ટેલી રહ્યા છે. પંડિતને સ્નેહભાવે સત્કાર કરીને સ્વામીજીએ જ્ઞાનવાર્તાઓ માંડી. મધુર વિનોદ રેલાવ્યા, ન મુખ પર ઉદાસીનો છાંટો, ન વ્યાકુળતા, ન ખેદ, કે ન લગારે છુપો રાગ ! જાણે કશુંય બન્યું નથી: ઈશ્વરસિંહજીએ એવી વિજયવંત સાધુતાનાં દર્શન કર્યા. યોગીવરના નિર્મળ ચિદાકાશમાં નિરાશાની નાની સરખી યે વાદળી ન ભાળી. પંડિતજીથી બોલાઈ ગયું, 'મહારાજ ! આજ સુધી હું આપને પંડિત જ માનતો હતો. આજે એ પંડિતાઈને પેલે પાર જઈને મેં જાણે કે સાચા વીતરાંગના દર્શન કર્યા !'