પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૮]


૧૧

મથુરાપુરી આખી ખળભળી ઉઠી છે, જાણે કોઈ શયતાન આવીને ધર્મને નરકમાં ઘસડી જાતો હોયની, એવી વ્યાકુળતા મથુરાના પંડાઓમાં મથી રહી છે. સ્વામીજીએ આહ્વાન દીધું છે : 'સુખેથી શાસ્ત્રાર્થ કરવા ચાલ્યા આવો.'

પાંચસો પંડા આવ્યા, પણ શાસ્ત્રાર્થ કરવા નહિ, ગાળાગાળી અને મારામારી મચાવવા ! અગાસી ઉપર ઉભા ઉભા સ્વામીજી મ્હોં મલકાવી રહ્યા છે અને જમાવટ કરીને નીચે ઉભેલા લાઠીદાર ચોબાઓ ગાળો ને મારો ચલાવે છે. મકાન ઉપર ચોકી કરતા ક્ષત્રિય સેવકોએ સ્વામીજીને કહ્યું કે 'મહારાજ, થોડીક રજા આપો. આ પંડાઓને પાંસરા કરીએ.'

સ્વામીજી કહે છે કે 'ના ભાઇ ! આ ધર્માંધતા ઉપર દયા ઘટે, કો૫ ન ઘટે. બાકી તો મારા આંહી આવવાનો આટલો યે લાભ શું ઓછો છે, કે આ આળસુના પીર, ઉંઘતા પશુવત પંડાઓમાં પણ આટલી જાગૃતિ આવી ! આટલી સંખ્યામાં એ બાપડા એકઠા મળ્યા, એ ફાયદો કાંઈ કમ નથી !'

૧૨

સ્વામીજી વ્યાખ્યાન દઈ રહ્યા છે, એવે ભર સભામાં એક કસાઈએ અને કલાલે આવી, બૂમો પાડીને ઉઘરાણું કરવા માંડી કે 'અય સ્વામીજી ! હવે તે બહુ દિવસ વાયદા દીધા. આટલો બધો આંકડો ચડ્યો છે, માટે હવે તો પૈસા ચૂકાવો !'

આવું સાંભળીને સ્વામીજીના સેવકોની આંખોમાં ખૂન ભરાયું. સ્વામીજી બોલ્યા કે “ખામોશ પકડો ! એને શબ્દ પણ ના કહેશો હો !'

સભા જેમની તેમ ચાલુ રહી. શાંતિથી વ્યાખ્યાન ખતમ થયું. એટલે સ્વામીજીએ એ બન્નેને ગળે પોતાના હાથ વીંટ્યા. પૂછ્યું “ભાઈ સાચું કહેજો હોં, આ તમને કોણે શીખાવેલું?'