પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૨ ]


સ્વામીજીએ સૌમ્ય સ્વરે કહ્યું કે 'જાઓ, સુખેથી ચાલ્યા જાઓ. અમે સંન્યાસી છીએ. અમારા ધર્મ કોઇને મારવાનો નથી, બચ્ચાઓ !'

૧૮

ફરીવાર સ્વામીજી કર્ણવાસમાં આવી ચડ્યા છે, બરેલીના પેલા ઠાકોર રાવ કર્ણસિંહ પણ ત્યાં શરદપૂર્ણિમાનું સ્નાન કરવા આવ્યા છે. એની રયાસત સાથે તો નાચરંગને માટે વેશ્યાઓ પણ શામિલ રહેલી છે ! સ્વામીજીના મુકામથી દોઢસો જ કદમ પર રાવનો ઉતારો છે.

રાવના અંતરમાં આગલા પ્રસંગનું વેર ખટકતું જ હતું. મતિ ગુમાવીને એણે પોતાના ત્રણ નોકરોને ચકચકતી તલવારો આપી સ્વામીજીનો વધ કરવા મોકલ્યા.

અધરાતનો સમય છે. ચોમેર ચુપકીદી છવાયેલી છે. કેવળ ગંગાનો ઘેરો રવ ગુંજે છે. અને વાયુની કોઇ કોઇ લહરીમાં ઝાડ પરનાં પાંદડાં ખડખડ હસે છે. સ્વામીજી ધ્યાનમગ્ન છે. થોડે અંતરે પોતાના ભક્ત કૈધલસિંહ ગાઢ નિદ્રામાં પડ્યા પડ્યા નસકોરાં બોલાવે છે.

એ સમયે કર્ણસિંહના ત્રણ નોકરો હાથમાં ખુલ્લી તલવાર લઇને ચુપચાપ ચાલ્યા આવ્યા. આવ્યા છે તો ખરા, પણ અંગો થરથર ધ્રૂજે છે. કલેજાં ધબકારા મારે છે. તલવારો તો તીક્ષ્ણ છે, પણ એક નિર્દોષ વીતરાગ પર એ તલવારો ચલાવવા જેટલી હિંમત તેઓના હાથમાં નથી રહી.

બહુ વાર સુધી તેઓ થંભી રહ્યા. આખરે થાક્યા. છાતી ન ચાલી. પાછા વળીને રાવની પાસે આવ્યા. રાવે ધમકાવી ફરીવાર મોકલ્યા. તે વખતે સ્વામીજીની સમાધિ ઉતરી ગઇ હતી અને રાવે પોતાના નોકરોને દીધેલ ધમકી પણ સ્વામીજીએ કાનોકાન