પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૩ ]

સાંભળી હતી. બીજી વાર પણ નોકરો પાછા વળ્યા. પણ રાવની જીદ તો ઋષિના દેહની સાથે મોતની હિચકારી રમત રમી નાખવા જ ચાહતી હતી. એણે નોકરોને ફરીવાર ધમકાવી ધકેલ્યા.

એ આવ્યા. સ્વામીજીએ બીજું કાંઇ જ ન કર્યું. ઉઠીને એક ગગનભેદી હુંકાર ગજવ્યો. જમીન પર એક લાત મારી. તલવારધારીએાની ભુજામાંથી તલવારો પડી ગઇ. એ નાઠા.

કૈધલસિંહજીની આંખ પણ ઉઘડી ગઇ. સ્વામીજીને એણે વિનવ્યા “હત્યારાઓ હજુ ફરીવાર આવશે હો મહારાજ ! માટે ચાલો, ક્યાંઇક છુપાઇને રાત વીતાવીએ.”

જવાબમાં સ્વામીજીના મુખમાંથી ગીતાપાઠ ગુંજી ઉઠ્યો કે

 नैनं छिन्दति शस्त्राणि

नैनं दहति पावक: ॥

'કૈધલ ! ભાઈ ! સંન્યાસી તે ગઢ ગુફાના આશરા ક્યાં સુધી શેાધતો ફરશે? મારો રક્ષણહાર તો પ્રભુ જેવડો હજાર હાથવાળો બેઠો છે. તું ગભરા નહિ ભાઇ ! હું જો ધારત તો એ ત્રણેના હાથમાંથી તલવારો છીનવીને તેઓનાં માથાં વાઢી લેત.'

૧૯

તે દિવસે જ રાજઘાટ ઉપર પંજાબી સેનાની એક ટુકડીનો પડાવ હતો. તે લોકોને રાવ કર્ણસિંહના આ અત્યાચારની જાણ થઇ ગઇ. તેઓનું ખૂન તપી આવ્યું. પચીસ પંજાબી વીરો શસ્ત્રો બાંધીને સ્વામીજીની પાસે આવી ગરજ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે “એક વાર અમને આજ્ઞા આપો ને પછી જોઇ લો, કે અમે એ સાધુઓના શત્રુને કેવો સ્વાદ ચખાડીએ છીએ ! ભલે અમારી નોકરી તૂટી જાય. પણ એને તો પૂરો કરીને જ પાછા ફરશું.'