પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૪ ]


પ્રેમભરપુર શબ્દો વડે સ્વામીજીએ એ સૈનિકોને શાંત કર્યા અને સત્સંગમાં બેસી એક શીતળ ઉપદેશ સંભળાવ્યો.

૨૦

અમૃતસરમાં છ સાત હજાર મનુષ્યોની મેદની જામી છે. આજે પંડિતો અને મહર્ષિજીની વચ્ચે પ્રશ્નોતરીનો મામલો મચવાનો છે, મહર્ષિજી બેઠા છે. થોડીવારમાં પંડિતોનું ટોળું જયનાદ ગુંજતું દાખલ થયું. સાત આઠ તિલકધારી પંડિતો બગલમાં પુસ્તકો દબાવીને સન્મુખ બેસી ગયા. ત્યાં તો ચારે બાજુથી પંડિતોના ચેલાઓએ ઇંટપત્થરનો મારો ચલાવ્યો. સભા-મંડપમાં ધૂળની મોટી ડમરી ચડી. પોલીસો દોડી આવ્યા પંડિતો પલાયન કરી ગયા. સેવકો કોપાયા. ટોળાને પીટવા ઉઠ્યા.

સ્વામીજીએ સૌમ્ય નેત્રે આનંદભર વાણી કાઢી 'ગરમ ન થશો, બચ્ચાઓ ! આ તો મદિરા-પાનનો નશો કહેવાય. અને મારું કાર્ય તો વૈદ્યનું ગણાય. દારૂડિયાને વૈદ્ય મારે નહિ. ઔષધ આપે. વળી હું તો આર્યધર્મની ફૂલવાડીનો પામર માળી છું. ફૂલવાડીમાં ખાતર પૂરતાં પૂરતાં માળીનાં અંગ ઉપર પણ ધૂળ, કચરો છવાય. એમાં શી તાજ્જુબી છે ! અને એની ચિન્તા નથી. હું ઝંખું છું એટલું જ કે આ ફૂલવાડી સદાય લીલીછમ રહે અને ફાલ્યા કરે.'