પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૮]




સામર્થ્યવીર

એક દિવસ દયાનંદજી યમુના-તીરે ધ્યાન ધરીને બેઠા છે. એવામાં કોઈક સ્ત્રીએ સ્નાન કરીને આવતાં પદ્માસન વાળીને બેઠેલા સ્વામીજીને ભાળ્યા અને એમને પરમહંસ સમજી એમના ચરણે પર પોતાનું મસ્તક ઢાળી નમસ્કાર કર્યા. પગ ઉપર કોઈ મનુષ્યના માથાનો ભીનેરો સ્પર્શ થતાં જ સ્વામીજીએ નેત્ર ખોલ્યાં. ચમકીને 'અરે માતા ! અરે મૈયા !' એવા શબ્દો ઉચ્ચારતા પોતે ઉભા થઈ ગયા, અને ગોવર્ધન પર્વત તરફ જઈને એક મંદિરના નિર્જન ખંડિયેરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એમણે અન્નજળ વિના, કેવળ ધ્યાન ચિન્તનમાં જ તન્મય રહીને એ સ્ત્રીસ્પર્શના પાપનું પ્રાયશ્ચિત કર્યું.

એક દિવસ કેટલીએક સ્ત્રીઓ મોહક શણગારો સજીને સ્વામીજીની પાસે આવી. સ્વામીજીએ પૂછ્યું, 'બહેનો, ક્યાંથી આવો છો ?'

'મહારાજ, અમે સાધુઓની પાસે થઈને આંહી આવીએ છીએ.'