પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૦]


'સાધુઓની પાસે શા માટે ?'

'આપ કહો તો આપની પાસે આવીએ.'

'મારી પાસે શા માટે ?'

'ઉપદેશ લેવા માટે.'

'બહુ સારૂં. તો તમારા પતિઓને જ મોકલજો. એ આંહીથી ઉપદેશ સાંભળીને તમને સંભળાવશે. તમે પોતે હવે પછી આંહી ન આવશો.'

ત્યાર પછી એ સ્ત્રીઓ ફરી કદિ ન આવી.

પોષ માઘની કડકડતી ઠંડીમાં; જ્યારે ઝાડપાન પર ઠાર પડતો હોય, ઝરાનાં નીર જામીને બરફ બની જતાં હોય, સુસવતો પવન કાતિલ શરની માફક શરીરને વીંધતો હોય, તેવે સમયે ગંગાની હીમ જેવી રેતીમાં કેવળ એક કૌપિનભર, પદ્માસનવાળીને સ્વામીજી આખી રાત બેઠા રહેતા. એમને આવી દશામાં દેખીને કોઈ ભક્તજન એમની કાયા ઉપર કામળી ઓઢાડી જતો, તો સ્વામીજી તૂર્ત એ કામળી અળગી કરી નાખતા.

એવી એક રાત્રિને સમયે, બદાયુંના ગોરા કલેક્ટર સાહેબ તેમના મિત્રની સાથે ગંગાકિનારે ફરવા નીકળ્યા હતા. એમનાં શરીરો તો ગરમ વસ્ત્રોમાં દટાઈ ગયાં હતાં, જ્યારે તેએાએ ગંગાના તટ પર આ લંગોટધારી તપસ્વીની પ્રચંડ, તેજસ્વી કાયાને સમાધીની લહેરમાં વિરાજમાન દીઠી. બંને અંગ્રેજો ટગર ટગર જોઈ રહ્યા.

સ્વામીજીની સમાધિ છૂટી ત્યારે કલેક્ટરે પૂછ્યું. 'આપને ઠંડી નથી લાગતી?'

સ્વામીજી જવાબ દેવા જતા હતા ત્યાં બીજો અંગ્રેજ વચમાં બોલી ઉઠ્યો 'એને તો ઠંડી શાની લાગે? રોજ માલ માલ ઉડાવતો હોય ને !'