પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૧ ]


હસીને સ્વામીજી બોલ્યા, “સાહેબ, અમે હિન્દુઓ તો દાળરોટલી ખાઇએ એમાં માલ માલ શો હોય ? પણ આપ તો ઇંડાં જેવા પૌષ્ટિક માલ આરોગો છે અને શરાબ પણ ઉડાવો છો. એટલે જો માલ માલ ખાવાથી જ ઠંડી સહન કરી શકાતી હોય તો ચાલો, કપડાં ઉતારીને થોડીવાર મારી બાજુમાં બેસી જાઓ.”

ઝંખવાણો પડીને અંગ્રેજ આડી વાત નાખવા લાગ્યો કે 'તો પછી આ૫ બતાવો, આપને ઠંડી કેમ નથી લાગતી ?'

સ્વામીજી બોલ્યા, “આપજ કહો, આપનું મ્હોં ઉઘાડું રહે છે છતાં તેને કેમ ઠંડી નથી લાગતી ? સતત ખૂલ્લું રાખવાની આદતને લીધે જ. એ જ પ્રમાણે મારા દેહને પણ આદત પડી છે. એમાં બીજું કશું ય જાદુ નથી.”

નમસ્કાર કરીને બંને ગોરા ચાલ્યા ગયા.

નદીના દૂરદૂરના કોઇ નિર્જન સ્થળ પર જઇને સ્વામીજી સ્નાન કરતા. કૌપીન એક જ હોવાથી પ્રથમ કૌપીનને ધોઇ, સુકવી, પોતે સિદ્ધાસન વાળીને રેતીમાં બેસી જતા. કૌપીન સુકાઇ જાય ત્યારે પોતે ઉઠી, સ્નાન કરી, કૌપીન બાંધી પેાતાને મુકામે જતા.

એક દિવસ કેટલાએક મલ્લો સ્વામીજીના શરીરબળની નામના સાંભળીને એમને શોધવા ચાલ્યા. સ્વામીજી તે વખતે સ્નાન કરવાની તૈયારીમાં હતા. મલ્લરાજોને નિહાળી પોતે વાતનો મર્મ સમજી ગયા. કૌપીન તે વખતે ભીનું હતું. જમણે હાથે કૌપીનને જોરથી નીચેાવીને મલ્લોને કહ્યું “તમારામાંથી જેને પોતાના કૌવતનું ગુમાન હોય તે આ કૌપીન નીચોવીને એમાંથી પાણીનું એક ટીપું કાઢી બતાવે.”

બધાએ એક પછી એક કૌપીનને નીચોવી જોયું. એક પણ બિન્દુ ન ટપક્યું !