પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૪ ]


પશુબળ ઉપર પણ નિર્દોષતાની આટલી ચોટ નાખનાર દયાનંદ વિશ્વપ્રેમ અને અહિંસાની કેટલી ઉંચી કક્ષાએ પહોંચ્યા હશે એ કલ્પવું કઠિન નથી.

એક ગામડામાં સ્વામીજીએ ઉતારો કર્યો. લોકોએ હોંશે હોંશે એમની પરોણાગત કરી. એવે તેઓનો કેાઇ ઉત્સવદિન આવી પડ્યો. રાત્રિએ તેઓએ સ્વામીજીને પણ મંદિરે બોલાવ્યા. નગર બહારના એક ઉજ્જડ સ્થળે આવેલા મંદિરમાં ભયાનક દેવીની પ્રતિમા ઉભી છે, પાસે ઉઘાડી તલવારે એક કાળભૈરવ શો પૂજારી ઉભો છે. મદ્યમાંસની સામગ્રી પણ તૈયાર છે. સન્મુખ અશ્લીલ નૃત્યુલીલા ચાલે છે. સ્વામીજી પામી ગયા કે આ તો શક્તિધર્મીઓનો અખાડો !

પૂજારી સ્વામીજીને કહે કે 'દેવીને નમન કરો !'

સ્વામીજી કહે 'આ જન્મે તો એ નહિ બને.'

'એ....મ !' કહી પૂજારી ધસ્યો. સ્વામીજીની બોચી પકડી શિર નમાવવા મથ્યો. ચકિત બનેલા સ્વામી ઉંચે જુવે તો ચોમેર ઉઘાડી તલવારવાળા નર-પિશાચો ઉભા છે. તલવાર ચલાવે તેટલી જ વાર છે.

સ્વામીજીએ છલંગ મારી. પૂજારીના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી. ડાબા હાથનો ધક્કો મારીને પૂજારીને દિવાલ સાથે અફળાવ્યો, તલવાર વીંઝતા વીંઝતા મંદિરના ચોગાનમાં જઇ પડ્યા. જુવે તે ત્યાં પણ કુહાડા અને છરા ઉગામીને ટોળું ઉભું છે. બારણા ઉપર તાળું મારેલું છે. મોતને અને સ્વામીજીને અઢી આંગળનું અંતર છે. કેસરીસિંહ કુદે તેમ સ્વામીજી કુદ્યા. દિવાલ પર પહોંચ્યા. બહાર ભૂસ્કો માર્યો. એક રાત ને એક દિવસ આજુબાજુના ગીચ જંગલમાં છુપાઈ રહ્યા. બીજી રાત્રિએ પોબાર ગણી ગયા.