પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિઠલો વેઢાળેા

[૧૫]




વિઠલો નાનપણથી જ લાકડા ફાડવાનું કામ કરતો. એનો બાપ પણ લાકડા ફાડતો. એના બાપનો બાપે ય લાકડા ફાડતો. દાદાથી એ લોકો લાકડા ફાડવાનું કામ કરતા.

બિચારા બધા લાકડા ફાડી ફાડીને મરી ગયા ને એની પાછળ હથોડા અને છીણીઓ મૂકતા ગયા. વિઠલાના બાપે એની વાંસે વિઠલો મૂકયો ને સાથે બે હથોડા અને થોડીક છીણીઓ મૂકી.

દસ વરસથી વિઠલો કામ કરવા મંડયો. વિઠલો લાકડાની વખારે જાય અને નાના લાકડા ફાડે. મૂળજી સુથાર રોજ આનો બે આના આપે અને દિ' બધા કામ કરાવે. બાપે જિંદગી આખી લાકડા ફાડયા અને હાડકાની કોચકીઓ કરી નાખી ત્યારે વાંસે એક દિ'નું ખાવાનું ન નીકળ્યું. પછી નાની મોટી મૂડી તો શું નીકળે ! સાંજ પડયે માંડ રોટલો કમાય એમાં વિઠલાને ભણાવે પણ શું ? વિઠલો નાનપણમાં આથડયો અને દસ વરસનો દાડીએ ચડયો. દાડી ન કરે તો સાંજે માબાપનું શું ?

મા હતી પણ એ તો અપંગ જેવી હતી.