પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નથુ પીંજારો

[૩૩]



પીંજણ ટ્રેં ટફ થવા માંડે ને રૂ તાંત ઉપર ચડી ચડી ને ચોખ્ખું થવા માંડે.

નથુકાકાનો કાંઈ હાથ! એવો તો મજબૂત અને એની તે કાંઈ ફાળ! ઘડીકમાં તો કેટલું બધું રૂ પીંજી નાંખે. પીંજી પીંજીને રૂ નો મોટો ઢગલો કરે. રૂ ધેાળું મજાનું બાસ્તા જેવું થઈ જાય. નથુકાકા કહે: 'એ જુએ હવે આ રૂ ? કેવું હતું ને કેવું થયું ? છે કાંઈ કે'વા વારો ? ધોળું દૂધ જેવું થયું છે ના ?

ત્યાં તો બપોર થાય ને નથુકાકા તાંત હેઠી મૂકે. નથુકાકા કેમ જાણે ઘરનું માણસ હોય તેમ બાને સાદ પાડીને કહે: 'એ બેન, લાવજે હવે ખાવાનું, બપોર તો ક્યારની પડી ગઈ.'

નથુકાકા હાથ, મોઢું, કપાળ, દાઢી ધૂએ. દાઢીમાં જરા જરા રૂ ભરાયું હોય એ તો એમ ને એમ રહે. કાકા કાંઈ કાચમાં જોવા નવરા ન હોય કે દાઢીએ ભરાએલ રૂના ખુંભણ કાઢવા બેસે. નથુકાકા કોણી સુધી હાથ ધૂએ, ગોઠણ સુધી પગ ધોઈને પછી હાશ કરી પલાંઠીવાળી જમવા બેસે.