પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૪ ]

કલમની પીંછીથી




એમ તો બા સારાં હતાં. ઘરમાં જે રાંધ્યું હોય તે બધું નથુકાકાના ભાણામાં પીરસે. કશો ભેદભાવ ન રાખે.

નથુકાકા નિરાંતે ખાય. પછી જરા આડે પડખે થાય ને વળી પાછા કામે લાગે. નથુકાકાનું ઈ ભારે. નથુકાકા નકામી એક પળ પણ ન ગાળે. કામ સાથે કામ. ખોટી બડાઈઓ નહિ ને અલકમલકનાં ગપ્પાંએ નહિ.

નથુકાકા ખોળીયામાં રૂ ભરવા માંડે. ગાદલાં ભરે, ગોદડાં ભરે, એાશીકાં ભરે. બધુ ઝટપટ ભરી નાંખે. કાકા ભરવામાં હોશિયાર. એકલે પંડે કામ કરે પણ મોળા નહિ. રૂ ભરતા જાય, સોટીથી સરખું કરતા જાય અને ગાદલું મજાનું ભરતા જાય.

ગાદલું ભરાઈ જાય, ગોદડું ભરાઈ જાય, પછી નથુકાકા દોરી કાઢે ને ફીટિયા લે. ફાંટીએ ફાંટીએ ફૂદડી મૂકતા જાય ને દાબીને ફાંટાઓ લેતા જાય. એમ કરતાં કેટલું બધું ભરી નાખે.

એમ કરતા સાંજ પડે નથુકાકા ખભે ખેશિયું નાંખે, માથે ફેંટિયું મૂકે ને ઘર ભણી હાલે.