પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ ]
કલાપી
 


કલાપીએ લખ્યું છે: 'મ્હારાં અગાડીનાં કાવ્યો-મ્હારે કહેવું જોઈએ કે, ઓટોબાયોગ્રાફી તરીકે વંચાયાં નથી. સ્વપ્નમાં જે વિચાર ન હોય તે ક્યાંથી કોઈ પણ ઈશારા વિના જન્મ પામે?' [૧] પણ હવે એ વિષે કાંઈ જ શંકા જેવું રહ્યું નથી. એટલે વધારે રસપૂર્વક વંચાય છે અને વધારે સારી રીતે સમજાય છે. ખાસ કરીને આ પ્રકારનાં કાવ્યો કયાં, તે પણ કલાપીએ ગણાવ્યું છે. આ જિન્દગીના ઇતિહાસમાં એક મહાન વિક્ષેપથી લખાયેલ 'હૃદયત્રિપુટી' અને તે જ વિચારોથી લખાયેલાં 'નદીને સિન્ધુનું નિમંત્રણ' .ગુન્હેગાર', 'હદ', 'અતિ મોડું', 'ના ચાહી', 'સીમા', 'આધીનતા', 'નિ:શ્વાસને', 'વ્હાલીનું રૂદન', 'એક ઘા', 'ગોફણ અને પત્થરથી ઉડાડતા છોકરાને' અને 'પશ્ચાત્તાપ', — ઉપલાં કાવ્ય સંબંધી કાંઈ લખત. પણ શું લખું? એ તો એક સ્વપ્ન હતું. એ સ્વપ્ન વીતી ગયું. લેણદેણનો સંબંધ ટુંકો જ હતો. હવે તો તેનો વિચાર કરવો એ પણ એક વ્યર્થ દુઃખ વ્હોરવા જેવું છે.' [૧]

કલાપીનાં કાવ્યોની લોકપ્રિયતાનું ત્રીજું કારણ ગૌણ છતાં ગણાવવા લાયક છે. રાજાઓ એટલે મોજશોખમાં રચીપચી રહેલા અમીરવર્ગના માણસો. તેમનામાં સામાન્ય માણસના હૃદયને સ્પર્શે તેવા ભાવો હોય, રાજા પણ દુઃખી હોય, સંસારના સર્વ વૈભવો છતાં પ્રેમ વિના કાંઈ જ નથી એવું તેમનામાંના કોઈને લાગે તેથી વાંચકોને આશ્ચર્ય થયું. અને અતૃપ્ત પ્રણયની આ લાગણી રાજા કવિતા દ્વારા પ્રકટ કરે ! રાજા તો જે ગમે તેને રાણી બનાવી દે; માધવે હરણ કર્યું, જહાંગીરે ખૂન કરાવ્યું, અને એ રીતે રૂપસુંદરી અને નૂરજહાંને પ્રાપ્ત કરી. પણ પ્રિયતમા માટે એક રાજા ઝૂરે, અને કાવ્યો દ્વારા પોતાની લાગણીનો ધોધ વહાવે ! આવું તો માત્ર કાલિદાસના વિક્રમોર્વશીયના ચોથા અંકમાં જ જોયું હતું !


  1. ૧.૦ ૧.૧ '૧. જટિલને પત્ર તા. ૯-૧-૯૬'
    કલાપીના પત્રો'