પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૯૭
 


પરંતુ રાજવી કવિની પ્રણયપિપાસા ઉપરાન્ત બીજા પણ કેટલાક ગુણો આ કાવ્યમાં છે, જેથી સાચા કવિતાપ્રેમીઓ તેની તરફ આકર્ષાય.

તેમાં ખાસ ગણવા લાયક ગુણ પ્રાસાદિકતા છે. કલાપીનાં કાવ્યોમાં શૈલિ કે વિચારની ક્લિષ્ટતા નથી. પોતાને શું કહેવું છે તેનો કવિને બરાબર ખ્યાલ છે, અને આ વક્તવ્ય તે સીધી રીતે સાદી ભાષામાં રજૂ કરે છે. ક્યાંય દ્વિઅર્થીપણું કે છુપાવવાનો પ્રયત્ન નથી. તેથી કવિના હૃદયમાંથી નીકળેલી ઊર્મિ જ સીધી વાંચકોના હૃદયમાં ઊતરી જાય છે. વાંચકને તેમાં પોતાની જ મનોદશા દેખાય છે, અને તત્કાલ તેનું શિર, જે અનુભવને તે વારંવાર વાણીદ્વારા વ્યક્ત કરવા માગતો હતો, પણ કદીયે આવી સરસ અને સચોટ રીતે કરી શક્યો ન હતો, તેવું સહેલાઈથી કરી બતાવનારના ચરણમાં ઝૂકી પડે છે.

કલાપીનાં કાવ્યમાં–સંરકૃત વૃત્તો અને ગઝલ બન્ને પ્રકારોમાં પદ્યરચનાની પ્રવાહિતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. તેમાં ક્યાંયે વાંચકને અટકવું પડતું નથી, એટલું જ નહિ, પણ ગુજરાતી કવિઓમાં સામાન્ય થઈ પડેલી, હ્રસ્વદીર્ઘની છૂટ પણ તેમાં ભાગ્યે જ દેખાય છે.

કલાપીનો બીજો ગુણ જીવંતચિત્રો થોડા શબ્દોમાં ઉત્પન્ન કરવાનો છે. પ્રકૃતિનું સૌમ્ય કે ભીષણ દૃશ્ય, પાત્ર કે પ્રસંગને ઘણી સહેલાઈથી, બે ચાર પંક્તિઓ દ્વારા તે વાંચકની સમક્ષ રજૂ કરી દે છે.

છૂપી ઊંઘે ઘન પડ મહીં તારલા વ્યોમ અંકે,
નિદ્રા મીઠી ગિરિ નદી અને વિશ્વ આખુંય લે છે;
ને રૂપેરી શ્રમિત દીસતી વીજળી એક સ્થાને,
સુતી સૂતી હસતી મધુરું સ્વપ્નમાંહી દિસે છે. [૧]

×××