પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨]
કલાપી
 

છે એમ 'સુદર્શન'માં છપાયેલ કાવ્ય સાથે સરખાવતાં દેખાય છે. કાઠિયાવાડી પ્રાન્તિક શબ્દો કાન્તે વીણીવીણીને કાઢી નાખ્યા છે, છતાં કોઈક રહી ગયા છે. આ તો છપાયેલાં કાવ્યો સાથેની સરખામણીની વાત હું કરું છું, પણ 'હમીરજી ગોહિલ'ની લખવાના સમયની જેવી માહિતી ઉપલબ્ધ છે તેવી આ કાવ્યો વિશે ન હોવાથી છપાતાં પહેલાના સુધારાઓ વિશે અનુમાન કરવાનું જ રહે છે. કલાપીનાં શરૂઆતનાં કાવ્યો નાટકના રાગોમાં લખાયાં છે અને તે બહુ ઊતરતી કોટિનાં લાગે છે. તે દૃષ્ટિ સમક્ષ રાખીને જોઈએ તે તેમનાં 'કેકારવ'નાં શરૂઆતનાં કાવ્યમાં મિત્રોની ઠીક મદદ મળી હશે એમ અનુમાન નીકળી શકે. નમૂના તરીકે ૧૮૯૦માં લખેલું એક કાવ્ય જ અહીં આપું છું:

સુકુમારી ચિત્ર જ તારૂં રે, મુજ દિલમાં ખચિત ઠસેલું,
તિ સ્વરૂપ તારૂં હું જોઈને, મન મારું લોભાયું રે,
સિંધુમાં જેમ બિંદુ મળે છે, તેમ મુજ મન તુજ સાથે મળ્યું,
વે તો દિન થોડા રહ્યા છે, કરવા મુજ મન તૃપ્ત ખરૂં રે.

અહીં મદદ શબ્દ વાપર્યો છે તેથી હું કલાપીની નૈસર્ગિક શક્તિની કીમત ઓછી આંકું છું એમ કોઈ રખે સમજે. મોટામાં મોટા કવિઓને પણ મિત્રોની મદદ મળી છે. સ્વ. નરસિંહરાવે લખ્યું છે કે 'ઉત્તરા અને અભિમન્યુ' માં અત્યારે છે તેના કરતાં વધારે પંક્તિઓ હતી, પણ છેવટનો ભાગ સ્વ. કાન્તના કહેવાથી તેમણે કાઢી નાખ્યો, અને તેથી કાવ્યની કલાને લાભ થયો. કલાપીનાં કાવ્યમાં જે દર્દ છે તે કલાપીના પોતાના હૃદયનું હતું, અને તે તેમણે જ વ્યક્ત કર્યું છે; માત્ર સંકલના, છંદોરચના, શબ્દપસંદગી વગેરેમાં તેમને સૂચનાઓ અને સહાય મળી હશે, એટલું જ હું કહેવા ઈચ્છું છું.

વળી, કલાપીનાં કાવ્યનું મૌલિકતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતી વખતે તેમણે કરેલા અનુવાદોનો પણ વિચાર કરવો જોઈએ. 'કેકારવ'માં