પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૧૧૫
 



છબી ચિતરવી વ્હાલીની, તેય દોરૂં ન દોરૂંને,
પૂરી જ કરવા ના દે આંસુ દગે ઉભરાઇને.[૧]

આ પ્રમાણે ત્રણ ગ્રંથોમાં કાલિદાસ એક વાત સામાન્યપણે કહે છે કે, નાયક વિયોગનો સંતાપ શમાવવા માટે નાયિકાનું ચિત્ર જોઈ આશ્વાસન લેવા જાય છે, પરંતુ શોકાવેગથી આંખમાં આંસુ ભરાઈ આવે છે, અને તેથી તે નાયિકાનું ચિત્ર જોઇ શકતો નથી. કલાપી આ કાવ્ય–'જ્યાં તું ત્યાં હું'–માં કહે છે.

આંસુના પડદા વતી નયન તો મ્હારાં થયાં આંધળાં,
લૂછ્યાં ના પણ ઉષ્ણ શ્વાસ દિલને અશ્રુ સુકાવી દીધાં.

અહીં પહેલી લીટીમાં કાલિદાસને પ્રિય થઇ પડેલો વિચાર આવે છે, પરંતુ બીજી લીટીમાં કલાપી કલ્પનામાં કાલિદાસના કરતાં પણ એક પગલું આગળ વધે છે. આંખમાં આંસુ આવવાને લીધે પ્રિય વસ્તુનું દર્શન થઈ શકતું નથી, એટલું કહી કાલિદાસ અટકે છે, પરંતું કલાપી તેથી આગળ વધીને કહે છે કે, પ્રિયતમાનું દર્શન શરૂઆતમાં તો આંસુને લીધે થઇ શકતું નથી; પરંતુ પાછળથી શોકને લીધે જે ઉષ્ણ શ્વાસોચ્છ્વાવાસ ચાલે છે તેને લીધે આંખમાંથી આંસુ સુકાઈ જાય છે અને તેથી પ્રિયતમાનું દર્શન થાય છે !

'હૃદયત્રિપુટી' કલાપીનું સૌથી લાંબું અને સૌથી મહત્ત્વનું કાવ્ય છે. આ ખંડકાવ્યની અનેક દૃષ્ટિથી તુલના કરી શકાય, તેના વિશે પ્રથમ પ્રશ્ન એ થાય છે કે, તેને કલાપીનું આત્મચરિત કેટલે અંશે ગણી શકાય. કલાપીએ જટિલને લખેલા પત્રમાં તેને 'આ જીંદગીના ઇતિહાસમાં એક મહાન વિક્ષેપથી લખાયેલ કાવ્ય,' કહ્યું છે. (તા. ૯−૬−'૯૬) આ જ પત્રમાં કલાપી આ અને તેના જેવાં બીજાં કાવ્યોમાં આલેખેલ પરિસ્થિતિને 'સ્વપ્ન' કહે છે. આ પત્ર 'હૃદયત્રિપુટી' લખાયા પછી લગભગ બે મહિને લખાયેલો છે. હૃદયત્રિપુટી' લખાયાની તારીખ છે, ૭−૪−'૯૬.


  1. ૧. વિક્રમોર્વશીય : શ્રી. કેશવલાલ ધ્રુવ