પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[૧૧૯
 


માત્ર, 'હૃદય-ત્રિપુટી' અને ત્હેવા જ સ્વરૂપમાંથી ઉદ્દભવ પામેલાં પાંચ છ કાવ્યો, એ જ આ કવિની કીર્તિના પાયારૂપ હું માનીશ; પછી ભલે ક્ષણસ્થાયી કાવ્યોમાં અન્ય જનો મોજ માણે. 'હૃદય-ત્રિપુટી' કાવ્યમાં પ્રેમની જાતિના પ્રશ્નનું અવલોકન કરવાનું અહિં પ્રયોજન નથી. આપણે તો એ કાવ્યમાં પ્રગટ થતી અપૂર્વ કલારચના જ જોવાની છે, અને એ દૃષ્ટિએ અપૂર્વ છે. કલામય રચના છતાં તેમાં કૃત્રિમતા નથી, ભાવપ્રવાહ કેવળ સ્વાભાવિક સ્રોતમાં વહે છે."[૧]


કલાપી 'કવિ' કે 'સ્નેહી' એ પ્રશ્ન એક વખત ગુજરાતી સાહિત્યમાં જુસ્સાથી ચર્ચાતો હતો એ અત્યારના વાંચકોને નવાઈ પમાડે તેવું છે. પણ 'કવિ' અને 'સ્નેહી’ એ 'સ્ત્રી' અને 'પુરુષ' જેવા incommensurable શબ્દો નથી. એક વ્યકિત કવિ અને સ્નેહી બને હોઈ શકે, 'કલાપી કવિ હતા કે સ્નેહી?' એમ પૂછવાને બદલે કલાપી કવિ હતા કારણ કે તે સ્નેહી હતા અને સ્નેહી હતા કારણ કે તે કવિ હતા, એમ સમન્વય કરીને સમાધાન ન મેળવી શકાય ? પણ, કલાપીએ કવિ ગણાવાની કે કવિ તરીકેની કીર્તિની કદીએ દરકાર કરી ન હતી એ હકીકત છે. પોતાનાં કાવ્યોને કલાપી 'કવિતા'નું નામ આપવાની ના જ કહે છે. અખાએ પોતાને કવિ નહિ પણ જ્ઞાની ગણવાનું કહ્યું છે અને આપણે તેને જ્ઞાની કવિ અખો કહીએ છીએ, તેમ કલાપીને પણ સ્નેહી કવિ કલાપી કહીએ તો?

કલાપી પોતાનાં કાવ્યથી કદી સંતોષ પામતા ન હતા તે જ દર્શાવે છે કે તે સાચા કલાકાર હતા. કારણ કે સાચો કલાકાર પોતાની કૃતિથી સંતોષ પામે છે? છતાં કલાપીનાં કાવ્યાએ ૪૦ વર્ષથી ગુજરાતની કવિતા વાંચનાર આલમને વશ કરી છે. લાઠીના નાનકડા રાજ્યના રાજવીએ ગુજરાતી કવિતાપ્રદેશમાં મોટું સ્થાન


  1. ૧ નરસિંહરાવ : મનોમુકુર-ગ્રંથ ૩