પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રકરણ નવમું
કલાપીનું વ્યક્તિત્વ

શ્વરનું સ્વરૂપ સમજવામાં જેમ 'અંધહસ્તીનો ન્યાય' પ્રવર્તે છે તેમ જ મહાન વિભૂતિઓને સમજવામાં પણ બને છે. પહેલ પાડેલા હીરાની જેમ આ માનવરત્નોને પણ અનેક દૃષ્ટિબિંદુઓમાંથી અવલોકીએ તો જ તેમનું સાચું મૂલ્યાંકન કરી શકાય.

કલાપી સ્નેહી કવિ હતા એમ ગયા પ્રકરણમાં કહી ગયા. સ્વજન તરીકે તેમણે પોતાનો સ્નેહ પોતાની પત્નીઓને, ભાઈને અને સંતાનોને આપ્યો. નાનાભાઈ વજુભા–કુમારશ્રી વિજયસિંહજી – ઉપરના પત્રોમાં બંધુસ્નેહનું દર્શન થાય છે. સંતાનના અભ્યાસ અને વિવાહનો પ્રશ્ન તેમની વૈરાગ્યની ભાવનાને પણ અમલમાં મૂકતાં વિલંબ કરાવે છે. પત્નીઓને ન્યાય આપવા તેમનો સતત પ્રયાસ હતો. રમા પ્રત્યેના પ્રેમ વિશે પાછળ વિસ્તારથી આવી ગયું. પછીથી તે ફરજનો પ્રેમ બન્યો ત્યારે શોભના પ્રત્યે પ્રેમની ફરજ અનિવાર્ય બની. અને એક જવાબદાર પતિ પ્રણયવીરની ભાવના વચ્ચે સમન્વય સાધવા તેમણે ભગીરથ પ્રયાસ કર્યો.

મિત્ર તરીકે તેમણે અનેકને અમૃત પાયાં. મણિભાઈ તરફ તેમના જીવનપર્યંત ગુરૂભક્તિનો અખંડ સ્રોત વહેવડાવ્યો અને પ્રજા તરફના વાત્સલ્યભાવથી પ્રેરાઈને સ્વભાવ વિરુદ્ધ પણ, મરણુપર્યત રાજ્યની જવાબદારી ઉઠાવી.

આવી કૌટુંબિક, રાજકીય અને મિત્ર તરીકેની ફરજોની વચ્ચે સતત રોકાયેલા રહીને પણ તેમણે અખંડ સાહિત્યોપાસના કરી.