પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીનું વ્યક્તિત્વ
[૧૨૫
 


તે સ્વભાવથી જ વૈરાગ્યવૃત્તિવાળા હતા, છતાં સંસારના આનંદો રસથી માણતા. મુંબઈમાં નાટકો જોઈ 'ગુજરાતી' અને 'મોરબી' નાટક મંડળીઓની સરખામણી કરતા. સંગીત પૂરા શોખથી સાંભળતા અને સિતાર તથા બીન વગાડતા.

જન્મથી રાજા અને સ્વભાવથી 'રાજા માણસ' હતા એટલે ખાવા ખવડાવવામાં પણ કેમ મોજ ન માને ? રમાએ પોતાના વિયોગમાં મદિરાપાન બંધ કરેલું તેમને સગાંઓ અને સખીઓનો આગ્રહ હોય તો શા માટે એમ ન કરવું, એમ સલાહ આપે છે. અને પોતાને માટે મણિભાઈને પૂછે છે કે 'મદિરાપાન મેસ્મેરિઝમ વખતે નહિ પણ પછીથી કરવામાં કાંઈ અડચણ છે? કેમકે તે શરૂ થયું છે, અને આવતી હુતાશણીએ તેને છેલ્લી સલામ કરવી છે.' આર્યાવર્તના પ્રવાસ દરમ્યાન માંસાહાર અને મદિરાપાનનો ત્યાગ કર્યો હતો, અને વચ્ચે પણ ત્યાગ કર્યો હશે એમ લાગે છે. અને અહીં તો વળી છેલ્લી સલામની વાત લખી છે. કલાપી ભોગની વચ્ચે પણ કેવી સતત ત્યાગની ઝંખના સેવતા હતા તે આ ઉપરથી જોઈ શકાય છે. તે જ પ્રમાણે, આ પરથી, મણિભાઈની માફક તેમના આ શિષ્ય પણ મેસ્મેરિઝમ–પ્રાણવિનિમયના નાદે પણ ચઢ્યા હશે એમ લાગે છે.

મણિભાઈ ગટૂલાલજી પાસેથી શીખેલા તે પાક બનાવીને મોકલતા ને કલાપીને તે બહુ સરસ લાગતો. વળી દરબારશ્રી વાજસુરવાળાને, પૂર્ણચંદ્રોદય તો નહિ પણ, મધ્યમ વર્ગનો ચંદ્રોદય તેના અનુપાન સાથે મોકલવાનું લખે છે, જેથી જિંદગીમાં એવા પદાર્થને ઉપયોગ પણ એક વખત કરાય.[૧] [૨]

બીડી તો સુરસિંહજીને અતિશય પ્રિય હતી, અને તે માટે 'બીડી અને બીડી પીનારો' નામનું કાવ્ય પણ તેમણે લખી નાખ્યું છે.

કોઈ પણ સાચો મહાપુરુષ હાસ્યરસથી વંચિત હોતો નથી, તે પ્રમાણે કલાપીમાં પણ આ રસ સારા પ્રમાણમાં હતો. તેમના પત્રમાં


  1. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૬૮
  2. ૨ એજન, પૃ. ૨૦૦