પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.પ્રકરણ બીજું
રાજકુમાર કોલેજમાં

આઠ વર્ષની વયે સુરસિંહજીને રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા.

‘રાજકુમાર કૉલેજ’ એવું મોટું નામ સાંભળી અજાણ્યા વાંચકો ભુલાવો ખાય નહિ તે માટે કહેવું જોઈએ કે ત્યાં માત્ર હાઈસ્કૂલ સુધીનું જ શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી પ્રાથમિક ધોરણથી શરૂ કરી મેટ્રિક સુધીના અભ્યાસની વ્યવસ્થા ત્યાં છે, પણ તેમાંથી મેટ્રિક પાસ થઈ ઘણા જ થોડા રાજકુમારો બહાર પડ્યા છે. કલાપીએ લખ્યું છે: “ ‘કૉલેજ’ એ શબ્દ બહુ મોટો લાગે છે, તે ‘રાજકુમાર કૉલેજ’ માં મેં અભ્યાસ કર્યો છે. આ કૉલેજમાં બહુ જ થોડું શિખવવામાં આવે છે. આ કોલેજમાંના શ્રેષ્ઠ કુમારનું જ્ઞાન માત્ર પાંચમા ધોરણ સુધીનું કહેવાય.”[૧] તે જ પ્રમાણે સ્વ. ગોવર્ધનરામ ઉપરના પત્રમાં કલાપીએ લખ્યું હતું: ‘રાજકુમાર કૉલેજમાં મેં અભ્યાસ કર્યો છે તે નામનો જ છે. રાજકુમાર કૉલેજ ભણાવે તેટલું જ ભણનાર તો બહુ જ થોડું ભણે છે. આ કૉલેજમાં ભણનારને વિદ્યાથી ભાગ્યેજ પ્રીતિ હોય છે, એ દેશનાં નસીબની વાત છે. હજી રાજાએાની આંખ ઉઘડતી નથી. કુમારોને નથી સારી સોબત મળતી કે નથી સારો અભ્યાસ થતો’.[૨]


  1. ૧ -શ્રી કલાપીની પત્રધારા’ સ્વ. મણિલાલ નભુભાઈ ઉપરનો પત્ર પૃ. ૧૧–૧૨
  2. ૨ એજ પુસ્તકમાં ગોવર્ધનરામ પર પત્ર, પૃ. ૪૦૮