પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકુમાર કૉલેજમાં
[૧૧
 

ઈ. સ. ૧૮૮૨ના જૂનની ૨૨મી તારીખે સુરસિંહજી આ કૉલેજમાં દાખલ થયા હતા. તે સમયે ચેસ્ટર મૅકનૉટન પ્રિન્સિપાલ હતા. મૅકનૉટને પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ આપેલાં વ્યાખ્યાનનાં ભાષાન્તર રૂપે એક બે પુસ્તકો ગુજરાતીમાં પ્રકટ થયાં છે. તેમાંના એક 'વહેવારોપયોગી વચન'નું ભાષાતર ઈડરના મહારાજા શ્રી. કેસરીસિંહે કર્યું હતું. આ પુસ્તકનું અવલોકન કરતાં સ્વ. મણિલાલ નભુભાઈએ ટીકા કરી હતી તે રાજકુમાર કૉલેજની શિક્ષણપ્રણાલી ઉપર માર્મિક કટાક્ષ રૂપે હોઈ ખાસ ઉલ્લેખનીય છે. તેમણે લખ્યું હતું: “'વર્ષ પૂર્ણ થયું' એ વિષયના વ્યાખ્યાનમાં ગતવર્ષે કોઈનું રાજકોટમાં તોફાન સાથે ખૂન થયેલું તેનું સ્મરણ કરાવી વ્યાખ્યાનકાર, ભવિષ્યમાં ક્ષત્રિયત્વ સાચવનાર શ્રોતાઓને સંબોધે છે કે 'એ બજારમાં, આ બનાવ બનતાં પહેલાં અને તે પછી તમે વારેવારે ગયા આવ્યા છો, અને તે વખતે તમે ત્યાં હોત તો તમારું શું થાત તે વિષે પણ વિચાર કરો.' એક સીપાઈએ ઝનુનમાં આવી તોફાન કર્યું, અને કોઈનું ખૂન કર્યું તે પ્રસંગે ક્ષત્રિય બચ્ચાઓ હાજર હોત તો 'અમારું શું થશે ?' એવા બાયેલા વિચારનો જ આશ્રય કરે.”[૧]

આ મૅકનૉટન સાહેબનું નામ તેમના વિદ્યાર્થીઓએ 'ભાભો' શાથી પાડ્યું હશે, તે હવે સમજી શકાશે. તેમનું કામ વિદ્યાથીઓને સાધારણ અંગ્રેજી શીખવવું, જેમ બને તેમ રજા ન આપવી, અને શિસ્ત જાળવવી એવું હોય એમ લાગે છે. વિદ્યાર્થીઓ મોટે ભાગે નાનપણમાં જ પરણેલા હતા, અને તેથી હરેક બહાને ઘેર જવા માટે આ 'ભાભા'ને પજવતા હતા. દિવાળીમાં તો રજાઓ પડે, પણ પરણેલા કુમારોએ હોળીમાં ઘેર જવું જ જોઈએ એવી જુંબેશ પણું એક વખત કલાપી અને તેમના મિત્રોએ ચલાવી હતી, જોકે તેમાં તેમને ફતેહ મળી ન હતી. એક બીજી જુંબેશ તો એના કરતાં પણી વધારે મોટી હતી. પરણેલા કુમારોને પોતાની પત્નીઓની સાથે


  1. સુદર્શન ગદ્યાવલિ, પૃ. ૯૨૯