પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ ]
કલાપી
 

શહેરમાં પોતાપોતાના ઉતારાઓમાં રહેવાની રજા આપવી જોઈએ, અને તેઓ માત્ર કૉલેજમાં ભણવા જ આવે, એ માટેના પ્રયાસમાં સુરસિંહજીએ ઉત્સાહથી ભાગ લીધો હતો. એજન્સી અમલદાર ફેરિસ સાહેબને આ માટે સુરસિંહજી મળ્યા હતા અને તેને પરિણામે તા. ૧૨મી ઑગસ્ટ ૧૮૯૦ના રોજ કેમ્બ્રિજની કમિટી આ વિશે વિચાર કરવા મળી હતી. પણ તેનું પરિણામ કાંઈ આવ્યું હોય એમ લાગતું નથી. પરંતુ સુરસિંહજીના પોતાના સંબંધમાં ખાસ બંદોબસ્ત કરવાની રજા મળી હતી. તે પ્રમાણે તેમણે આખો દિવસ લીંબડીના ઉતારામાં રહી કૉલેજમાં માત્ર છ કલાક ભણવા જવું એ હુકમ સત્તાવાળાઓ પાસે લખાવ્યો હતો. તેમને નવ મહિના સુધી આ પ્રમાણે રહેવાનું થાય તેમ હતું. તે પ્રમાણે ૧૮૯૦ના સપ્ટેમ્બરની આખરે તેમણે પોતાની બન્ને રાણીઓને લાઠીથી રાજકોટ લાવવા માટે બંદોબસ્ત કર્યો. તેમણે રાજારાણી તરીકે નહિ પણ ગૃહસ્થ તરીકે રહેવાનું હતું. તે માટે સુરસિંહજીએ વિગતવાર વિચાર કર્યો હતા, જેમાં 'ત્રણ ભેંસો' રાખવાનો અને ત્રણ છોડીયું અને એક ખવાસનો પણ સમાવેશ થતો હતો. આ ત્રણે 'છોડીયું' માં 'બીચારી મોંઘી આવે તો ઠીક' એમ પણ અભિપ્રાય દર્શાવ્યો હતો.

અહીં એ જણાવવું આવશ્યક છે કે, કૉલેજમાં હતા તે સમયમાં જ, ઈ. સ. ૧૮૮૯ ના ડિસેમ્બરની પહેલી તારીખે કલાપીનાં લગ્ન રોહા અને કોટડા સાંગાણીની કુંવરીઓ સાથે થઈ ગયાં હતાં.

સુરસિંહજી સવારમાં કસરત કરતા હતા, અને આખો દિવસ અભ્યાસમાં મચ્યા રહેતા; કૉલેજના વાર્ષિક ઉત્સવમાં પણ તે ઉત્સાહથી ભાગ લેતા હતા; તેથી પ્રિન્સિપાલ મૅક્નોટનનો તેમની ઉપર સારો ભાવ હતો. તેને લીધે તેઓ પોતાને માટે આ પ્રકારની ગોઠવણનું નક્કી કરાવી શક્યા હશે. તે પ્રમાણે તેઓ રાજકોટમાં રહ્યા કે નહિ તે વિશેની માહિતી મને મળી શકી નથી.